સગીરા પરના દુષ્કર્મ અંગેના કેસમાં ત્રણેય આરોપીઓને ૧૦-૧૦ વર્ષની સખત કેદની સજા

  • March 27, 2021 08:49 PM 

જામનગર શહેર અને જોડીયાની ૩ સગીરાના અપહરણ અંગેના કેસમાં પોક્સો અદાલતના મહત્વપૂર્ણ ચુકાદા

જામનગર શહેરની બે સગીરા તેમ જ જોડ્યા ની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગેના કેસમાં જામનગરની પોક્સો અદાલતે મહત્વના ચુકાદાઓ આપ્યા છે, અને ત્રણેય કેસોમાં આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા પછી ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી છે.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીરાનું અપહરણ થઈ ગયું હતું, અને તેણીનું અપહરણ કરી જવા અંગે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે પ્રકરણમાં આરોપી તરીકે લીમડાલેન વિસ્તારમાં રહેતા ગણેશ માનસિંગ કંસારા નામના શખ્સની આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૪-૬ મુજબ ધરપકડ કરાઇ હતી, અને જેલ હવાલે કરાયો હતો.

જે કેસ જામનગરની પોક્સો અદાલત સમક્ષ ચાલી જતાં મૂળ ફરિયાદી તરફે રોકાયેલા વકીલ રફીક એસ. મકવાણા તથા સરકાર તરફે એ.પી.પી. ભારતીબેન વાદીની દલીલના આધારે પોક્સો અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવ્યો છે, અને દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૪ હજારનો દંડ ફટકાર્યો છે.

જામનગરમાં શંકરટેકરી શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષિય તરુણીનો ૧.૮.૨૦૧૬ ના દિને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજારવા અંગે અને સમાજમાં હલકા પાડવા માટે એટ્રોસિટી એક્ટ ની કલમ હેઠળ સાગર કરસનભાઈ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી લઈ અદાલત સમક્ષ રજૂ કરતાં જેલહવાલે કરાયો હતો.

જે કેસ પણ જામનગરની સ્પેશ્યલ પોક્સો અદાલત ના ન્યાયાધીશ શ્રી કે.આર. રબારીની અદાલતમાં ચાલી જતાં અદાલતે મેડિકલ ઓફિસરની જુબાની તેમજ સરકારી વકીલ એમ.પી. જાની ની દલીલોને માન્ય રાખીને આરોપી સાગરને જુદી જુદી કલમો હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની જેલ સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે. અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના જોડીયા ગામની એક સગીરાનું ૨૪.૩.૧૭ ના દિવસે અપહરણ કરી જવા અંગે રાહુલ ગેલાભાઈ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

જે આરોપી પર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. અને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા પછી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જે પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ અને પોક્સો એક્ટ ની કલમ હેઠળ નોંધી આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલ હવાલે કરાયો હતો.

જે કેસ જામનગરની સ્પેશ્યલ અદાલતના ન્યાયધીશ કે.આર. રબારીની અદાલતમાં ચાલી જતાં મેડિકલ ઓફિસર ની જુબાની સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઈ જાની દ્વારા કરાયેલી દલીલો અને રજૂ કરાયેલા વિસ્તૃત પુરાવાઓને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી રાહુલ ગેલાભાઈ પરમાર ને તકસીરવાન ઠરાવી છે અને જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડ નો હુકમ ફરમાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS