સૌ.યુનિ.એ ભરતીની પરીક્ષા લીધી પણ પરિણામમાં આચારસંહિતા નડી
સૌ.યુનિ.એ ભરતીની પરીક્ષા લીધી પણ પરિણામમાં આચારસંહિતા નડી
April 20, 2026 02:23 PM
રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી બિન શૈક્ષણિક કર્મચારીઓની ૫૯ જગ્યા ભરવા માટે માર્ચ મહિનામાં એકઝામ 'એ' લેવાયા પછી ગઈકાલે એકઝામ 'બી' અને એલિમિનેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતીની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી આચાર સહિતા દરમિયાન કરવામાં આવી હતી પરંતુ હવે છેલ્લી પરીક્ષા લેવાયા પછી તેનું પરિણામ આચાર સહિતા પૂરી થયા પછી જાહેર કરવામાં આવશે તેવો નિર્ણય યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્રારા લેવાયો છે. ૫૯ જગ્યા માટે યારે અરજીઓ માગવામાં આવી ત્યારે ૧૨૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. પ્રમાણપત્ર બરાબર નથી, પરીક્ષા 'એ'માં તમે પાસ થયા નથી, અરજી કર્યા પછી ફાઈનલ સબમિશનનું બટન દબાવ્યું નથી તેવા અનેક કારણો હેઠળ એકાદ હજાર ઉમેદવારોને ભરતી માટેની પ્રક્રિયામાંથી બહાર કરી દીધા બાદ ગઈકાલે યોજાયેલી એકઝામ 'બી' અને એલિમિનેશન ટેસ્ટમાં માત્ર ૨૭૦ ઉમેદવારો બાકી રહ્યા હતા. આમાંથી પણ ૪૩ ઉમેદવારો ગેરહાજર હતા અને ૨૨૭ એ ગઈકાલે પરીક્ષા આપી હતી. પરીક્ષા લેવાયા પછી યુનિવર્સિટીએ એવી સત્તાવાર જાહેરાત કરી છે કે અત્યારે સ્થાનિક સ્વરાયની ચૂંટણીની આચાર સહિતા લાગુ હોવાથી પરિણામ જાહેર કરવામાં નહીં આવે અને તે આચાર સહિતા પૂરી થયા પછી જ જાહેર કરાશે. યુનિવર્સિટીના રિક્રુટમેન્ટ સેલના જણાવ્યા મુજબ ગઈકાલે કુવાડવા રોડ પર આવેલી વિઝન સ્કૂલ અને શ્રીરાજ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવી હતી. ચૂંટણીની આચાર સહિતા હોવાથી પરિણામ જાહેર કરાયું નથી. પ્રોવિઝનલ આન્સર કી પણ હવે ચૂંટણી આચાર સહિતા પૂરી થયા પછી જાહેર કરવામાં આવશે. ભરતીની આગળની ક્રમિક પ્રક્રિયાની વિગતો તથા તેનો શેડુલ પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર આગામી દિવસોમાં મૂકી દેવામાં આવશે અને કોઈ ઉમેદવારને તેની વ્યકિતગત જાણ કરવામાં નહીં આવે...