ગુજરાતની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ અપાયું, કચ્છ જિલ્લામાં બે વર્ષમાં ૧૪૧૯ લાભાર્થીને વીજ જોડાણ અપાયા

  • March 03, 2025 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજ માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, જ્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવે છે.


રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલાં વીજ જોડાણો અંગેની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૧૯૯૭થી અમલી થયેલી આ યોજના હેઠળ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં રાજ્યમાં આશરે રૂ. ૫૮૩.૩૪ કરોડના ખર્ચે કુલ ૧૦,૯૬,૫૮૧ જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણની માહિતી આપતાં ઊર્જામંત્રીએ જણાવ્યું કે, તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લાના વિવિધ તાલુકાના ૧૪૧૯ લાભાર્થીઓને કુલ રૂ.૬૫.૪૩ લાખના ખર્યે વીજ જોડાણ આપવામાં આવ્યાં છે.

આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યના તમામ વિસ્તારના કોઈપણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે. આ યોજના હેઠળ ઘર વપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘર વપરાશના વીજ જોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી તેમ ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application