મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. અજિત પવારનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પાંચેય લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, જેના કારણે અજિત પવારના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
NCP નેતા અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ફડણવીસે પણ શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ એનસીસી રેલીમાં અજિત પવારને યાદ કરી શોક વ્યક્ત કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ રેલીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુનો ઉલ્લેખ કર્યો અને શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે ખાસ કરીને ગ્રામજનોના જીવનને સુધારવા માટે સક્રિય રીતે કામ કર્યું. હું અજિતજીના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખની ઘડીમાં આપણે બધા તેમની સાથે ઉભા છીએ."