અમેરિકામાં શટડાઉનના કારણે સરકારી ફંડ રોકાઈ ગયું છે. જેના કારણે અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ક્રેશમાં 260 લોકોના મોતની તપાસ કરી રહેલી એફએએએ પોતાની ઇન્ક્વાયરી રોકી દીધી છે. કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે. 125થી વધુ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન લૉ ફર્મ બિસ્લે એલને જણાવ્યું હતું કે, પહેલી ઑક્ટોબરથી શરુ થયેલા અમેરિકન સરકારના શટડાઉનને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) તરફથી ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
ફર્મના પ્રિન્સિપલ એટર્ની માઇકલ એન્ડ્રૂઝે એક ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે, 'શટડાઉનને કારણે એફએએ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અમે 13 ઓગસ્ટે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કૉકપિટ વોઇસ રેકોર્ડર, ફ્લાઇટ ડેટા રેકોર્ડર, એન્જિન ટીયરડાઉન રિપોર્ટ તેમજ ફોટો-વીડિયો મંગાવ્યા હતા, પરંતુ બધું અટકેલું છે.'
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકોના મોત નિપજ્યા હતા. ફક્ત બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ બચી ગયો હતો. વિમાન ટેકઑફ થયાના 90 સેકન્ડ પછી મેઘાણી નગરમાં બી. જે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. એએઆઈબીના વચગાળાના અહેવાલમાં (12 જુલાઈ) 'ટેકઑફ પછી તરત જ ફ્યૂલ કટઑફ'નો ઉલ્લેખ છે. જોકે, પાઇલટ્સને દોષ આપવાનું કહેવામાં આવતા, એન્ડ્રુઝે કહ્યું કે, બોઇંગ 787 ઓટોમેટેડ છે, કોમ્પ્યુટર કમાન્ડ સિસ્ટમ નિષ્ફળતાનું કારણ બની શકે છે. સીવીઆર સંપૂર્ણપણે પ્રકાશિત કરવામાં આવ્યું ન હતું, જેના કારણે પાઇલટ્સ સામે અન્યાયી આરોપો લાગ્યા.
એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને 29 ઓક્ટોબરે એવિએશન ઇન્ડિયા સમિટમાં આ દુર્ઘટનાને વિનાશક ગણાવી હતી. કર્મચારીઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે, એએઆઈબી રિપોર્ટ પ્રારંભિક સ્પષ્ટતા પ્રદાન કરે છે, પરંતુ તપાસ લાંબી છે. એરલાઇને રૂ. 500 કરોડના વળતર પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ કેસના ભયથી શેર 8 ટકા ગગડી ગયા હતા.
એએઆઈબીનો ફાઇનલ રિપોર્ટ 2026માં આવશે. ડીજીસીએએ બોઇંગ 787 કાફલાની વધારાની તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પ્રતિ પરિવાર રૂ. 5 કરોડનું વળતર આપવાની ઓફર કરી છે. અસરગ્રસ્ત પરિવારો હવે બેવડી લડાઈ લડી રહ્યા છે. અમેરિકન કોર્ટમાં બોઇંગ સામે અને ભારતીય તપાસમાં સત્ય સામે. જોકે, શટડાઉન સમાપ્ત થયા પછી જ કેસ આગળ વધશે.