અમદાવાદ શહેરમાં આગામી દિવસમાં યોજાનારી જગન્નાથજીની 147મી રથયાત્રા અંગે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં કરી લેવાામાં આવી છે. રથયાત્રાના આ 16 KMના રૂટ પર અધિકારી અને સુરક્ષા કર્મચારી મળીને કુલ 18784 ખડેપગે તૈનાત રહેશે.
અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા માટે આઈ જી કક્ષા સહીતના 18784 પોલીસ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ ફરજ પર તહેનાત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની 147મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ અને-પોલીસ મહાનિદેશક ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાકેશ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને વરિષ્ઠ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી.
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.
રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ-સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.
સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ શ્રી મલિકે ઉમેર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું.
આ સંદર્ભમાં પોલીસ કમિશનરશ્રીએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, ૪૭ જેટલા લોકેશન્સ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.
આ ઉપરાંત ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ૧૧ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૩૨, મહોલ્લા સમિતિની ૧૩૬ તેમજ મહિલા સમિતિની ૩૮ બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે ૧૮ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૨૫ જેટલી બેઠકો યોજવામાં આવી હતી.
એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં અમદાવાદના અધિક પોલીસ કમિશનરશ્રી તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech