અનલોક બાદ જનજીવન પૂર્વવત કરવામાં ગુજરાત દેશભરમાં મોખરે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

  • September 11, 2020 08:56 PM 1730 views

 

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત દ્વારા ગુજરાતે નવી કેડી કંડારી છે. ગુજરાત સહિત દેશ આખામાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતે લોકોપયોગી વિકાસ કામો કરીને સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યા છે. ગુજરાત રાજ્યે વિકાસની ગતિને સહેજ પણ ધીમી થવા દીધી નથી. અનલોક બાદ ગુજરાતમાં વીજળીની ખપત, ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને સ્ટાર્ટઅપની આંકડાકીય વિગતો દર્શાવે છે કે, ગુજરાત રાજ્ય જનજીવન પૂર્વવત કરવામાં દેશભરમાં મોખરે રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

તેમણે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેરના અંદાજે રૂ. ૧૭૬ કરોડ તથા અમદાવાદ જિલ્લાના રૂ. ૪૫ કરોડ મળી કુલ રૂ. ૨૨૧ કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ / ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈષ્ણોદેવી સર્કલ, મકરબા, મક્તમપુરા એમ ચાર સ્થળોએ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ / ખાતમુહૂર્ત કયું હતું. 

 

કેન્દ્રિય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હાલના વિપરીત કાળમાં લોકસહયોગથી દેશમાં જનજીવન પૂર્વવત કરીને ભારતે વિકસિત દેશો માટે પણ આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરેલા 'જાન ભી- જહાન ભી'ના મંત્રને ચરિતાર્થ કરી પરિસ્થિતિઓને પૂર્વવત કરવામાં દેશની ૧૩૦ કરોડ જનતાએ જે રીતે વહીવટી તંત્રને સાથ આપ્યો છે તે અત્યંત પ્રશંસનીય છે. 

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. 

 

લોકાર્પણ થયેલા વિકાસ કામો લોકોની સેવામાં કારગત નીવડે તથા ખાતમુહૂર્ત કરેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આજે થયેલા વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ/ ખાતમૂહૂર્તમાં રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યો અમદાવાદ મહાનગરપાલીકાના અને રૂ. ૪૫ કરોડના વિકાસ કામો અમદાવાદ ગ્રામ્યમાં સમાવિષ્ટ છે.    

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ લોકાર્પણ-ખાતમૂર્હત કાર્યક્રમોમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં ગુજરાતે કોરોના કાળમાં પણ અવિરત વિકાસ કામો યથાવત રાખ્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોનાના રોદણા રોયા વિના હવે કોરોના સાથે, કોરોના સામે જીવન જિવવાની નવી શૈલી આપણે ઊભી કરી દીધી છે. કોરોનાના સંક્રમણના ૪ મહિનામાં રાજ્યભરમાં રૂ. ૧૦ હજાર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતથી ગુજરાતે વિકાસની સ્થિતી પૂર્વવત અને વેગવંતી બનાવી છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

 

મુખયમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં પાછલા વર્ષની સપ્ટેમ્બર મહિનાની વીજ ખપતની તૂલનાએ આ વર્ષે ૬ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતના વેપાર-ઊદ્યોગ-વ્યવસાય પહેલાં કરતા સવાયા થઇને કાર્યરત થવા માંડયા છે તેનું આ પ્રમાણ છે. 

 

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે એકસપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ, સ્ટાર્ટઅપ રેન્કીંગ, લોજિસ્ટીકસ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવીને કોરોનાના સમયમાં સફળતાની સિદ્ધિઓ જનસહયોગથી મેળવી છે. મુખ્યમંત્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે રાજ્ય સરકાર સેવારત છે તેની ભૂમિકા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે નાણાંના અભાવે કોઇ વિકાસ કામ કોરોનાની વિપરીત સ્થિતીમાં પણ અટકે નહિ તે માટે રૂ. ૧૦૬પ કરોડ નગરો-મહાનગરોને એટ વન કલીક ડિઝીટલી આપ્યા છે. 

 

વિજયભાઇ રૂપાણીએ બાવળા-સાણંદ સાથોસાથ અમદાવાદ મહાનગરમાં વિકાસ કામોની ભેટ આપવા અંગે ગૃહમંત્રી અમિતભાઇનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગ્રામીણ અને શહેરી બેય ક્ષેત્રોના સર્વાંગી-સમ્યક વિકાસથી ગામો સુવિધાયુકત અને શહેરો વિશ્વ કક્ષાના બનાવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ચાતરેલા ચીલાને ગુજરાતે પ્રતિષ્ઠા અને વિકાસમાં અનુસરીને વિકાસ યાત્રા સતત આગળ ધપાવી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યુ હતું.  

 

ગૃહમંત્રીએ વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી ૧૩૦.૯૧ કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે રૂ.૧૫.૦૨ કરોડના ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં મકરબા પોલીસ લાઇન પાસે રૂ.૨૪.૯૯ ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ અને છારોડી ગામ તળાવને રૂ. ૫.૨૬ કરોડના ખર્ચે ઈ-ખાતમૂહૂર્ત કર્યું હતું. 

 

તેમણે અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકા ખાતે ૧૭૦૦ લાખથી વધુ ખર્ચે તૈયાર ૨૪૦ થી વધુ મકાનોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત માણકોલ અને મોડાસર ગામમાં ઘન કચરાના નિકાલ અને ટ્રેક્ટર માટે રૂ. ૨૦ લાખની સહાય તથા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૧૦૮ લાખના ખર્ચે ૧૨ વર્ગખંડનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

 

ગૃહમંત્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૨૩ લાખના ૫૯ કામોનું લોકાર્પણ, રૂ. ૨૫ લાખના ખર્ચે માણકોલ ચોકડી ખાતે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૨૪૦ મકાનોનું બાવળા નગરપાલિકા ખાતે લોકાર્પણ, બાવળા અને સાણંદ તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અંતર્ગત માર્ગનિર્માણ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું.

 

અમદાવાદના મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે, હેરિટેજ સિટી એવું અમદાવાદ શહેર હવે સ્માર્ટ સિટી બનવા તરફ ગતિ કરી રહ્યું છે. ત્યારે શહેરના નાગરિકોને વધુને વધુ બહેતર સુવિધાઓ આપવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આજે લોકાર્પિત થયેલા વિકાસલક્ષી કાર્યોથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. કોર્પોરેશન દ્વારા મેટ્રો, રિવરફ્રંટ, બી.આર.ટી.એસ. જેવા પ્રકલ્પો દ્વારા નગરજનોની સેવામાં વૃદ્ધી કરવા માટે કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આ અવસરે ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કિશોરભાઇ ચૌહાણ, કનુભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મુકેશ કુમાર, અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે, વિવિધ કમિટીઓના ચેરમેનઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application