BREAKING NEWS

કૃષિ મંત્રી રાઘવજી પટેલે CCI સાથે બેઠક યોજી, ટેકાના ભાવે કપાસની મહત્તમ ખરીદી કરવા સૂચના

  • October 07, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યના કપાસ ઉત્પાદક ખેડૂતોને તેમના પાકનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ (અથવા રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે.


કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતોના હિતાર્થે CCIને કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. કપાસનો બજાર ભાવ ટેકાના ભાવ કરતાં ઓછો હોવાથી તેમણે CCIને રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો. વધુમાં, તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઈ શકે તે માટે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવામાં આવે. જરૂર જણાયે નોંધણીની સમયમર્યાદા પણ વધારવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.


કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની કહ્રીડી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિત ભારતીય ભારતીય કિસાન સંઘના મહામંત્રી શ્રી આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


કૃષિ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ એકંદરે સારી જોવા મળી છે, જેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન પણ પુષ્કળ થવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ એટલે કે, રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ ટેકનો ભાવ જાહેર કર્યો છે. જેની સામે હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ રૂ. ૮૦૦ થી રૂ. ૧,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ઓછો છે. આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતો કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા આવવાની સમભાવના હોવાથી ખેડૂતોને કોઇપણ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા કૃષિ મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

    
કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો, લંબાવવા માટે પણ મંત્રીશ્રીએ CCIના અધિકારીઓને ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીશ્રીએ ખેડૂત પાસેથી તેના જમીન રેકર્ડ મુજબ તથા જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને રાખીને ઉત્પાદિત તમામ કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા માટે જણાવ્યું હતું.


​​​​​​​વધુમાં, મંત્રી શ્રી પટેલે CCIના અધિકારીઓને APMC કેન્દ્રો ખાતે હરાજીમાં ઉભા રહીને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી ખરીદી APMC કેન્દ્રો તથા નિયત સેન્ટરો ખાતેથી પણ કરવા સૂચન કર્યું હતું. રાજ્યના જે ખેડૂતોનું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન થયું ન હોય, તો પણ તેવા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરવાની જરૂરી અનુમતિ મેળવવા તેમણે CCIના અધિકારીઓને જણાવ્યુ હતું. 

કૃષિ મંત્રીશ્રીએ આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આ બેઠક યોજીને ખેડૂતોના હિતાર્થે વિવિધ સૂચનો કર્યા હતા અને રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application