જામનગરમાં નવાગામ ઘેડમાં બપોર પછી રસીકરણ બંધ થતા હોબાળો

  • June 30, 2021 11:07 AM 

મોટાભાગના કેન્દ્રો ઉપર રસી ન હોવાથી લોકોમાં ઉગ્ર રોષ: આજે દસ કેન્દ્રો ઉપર રસીકરણ થશે : ગઇકાલે માત્ર 1400 લોકોને વેકસીન અપાયું

જામનગર એક સમયે રસીકરણની કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યુ હતું પરંતુ સરકાર દ્વારા રસીનો યોગ્ય જથ્થો ન મોકલાતા જામનગર શહેરમાં કેટલાક લોકો વેકસીન લીધા વીનાના રહી ગયા હતા, ગઇકાલે નવાગામ ઘેડમાં જ બપોર પછી રસી ખુટી પડતા લોકોએ હોબાળો કર્યો હતો, અનેક સ્થળોએ વેકસીન ખલાસ થઇ જતા લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, ખાસ કરીને દરેક કેન્દ્ર ઉપર 45 થી ઉપરની વયના લોકો માટે માત્ર 50 ડોઝ ફાળવવામાં આવતા આ અંગે ઘટતુ કરવા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

જામનગરમાં અત્યાર સુધીમાં 1.36 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે, જયારે જામનગર જીલ્લાની વાત લઇએ તો 6.93 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, શહેરમાં 45 થી વધુ વયના 1.21 લાખ, ગ્રામ્યમાં 2.86 લાખ, 18 વર્ષથી ઉપરના શહેરમાં 1.38 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.43 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.

જીલ્લામાં 14 લાખથી વધુ વસ્તી હોય હજુ 50 ટકા જ રસીકરણની કામગીરી થઇ છે, ગઇકાલે દસ જેટલા સ્થળોએ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી જેમાં એક કેન્દ્રને 200 ડોઝ ફાળવવામાં આવ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકો આવી પડતા 12 વાગ્યા આસપાસ રસી ખલાસ થઇ ગઇ હતી, નવાગામ ઘેડમાં બપોરે 12 વાગ્યે રસી ખલાસ થઇ જતા સ્ટાફ અને લોકો વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, ખાસ કરીને 45 થી વધુ ઉમરના લોકો માટે એક કેન્દ્ર માટે 50 ડોઝ ફાળવવામાં આવ્યા હતા, એમપીશાહ વૃઘ્ધાશ્રમમાં પણ સ્ટાફ અને લોકો વચ્ચે ભારે ગરમા ગરમી થઇ હતી જયારે 45 દિ.પ્લોટમાં આવેલી સરકારી શાળામાં પણ વેકસીન ખલાસ થઇ જતા બોલાચાલી થઇ હતી.

આમ જામનગર શહેરમાં ગઇકાલે વેકસીનનો ઓછો જથ્થો ફાળવાતા લોકોમાં પણ ઉગ્ર આક્રોશ ફેલાયો છે, સરકારે તાબડતોબ જામનગરને વધુ રસી ફાળવવી જોઇએ તેવી લોકોમાં માંગણી થઇ રહી છે, જો કે વેકસીન કયારે આવશે તે અંગે જામનગર મહાપાલીકાનું આરોગ્ય તંત્રએ મૌન સેવી લીધું છે. શહેરમાં મોટા ઉપાડે વેકસીન ઝડપથી લો તેવી જાહેરાત કરવામાં આવી હતી મહા અભિયાન શ કરવામાં આવ્યુ હતું પરંતુ અઠવાડીયા બાદ વેકસીનનો જથ્થો ખુટી પડતા આરોગ્ય અધિકારીઓ પણ મુંજાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS