મણિપુરમાં હિંસા બાદ ફરી સ્થિતિ વણસી, 50 હજારથી વધુ લોકો બન્યા બેઘર, ઈન્ટરનેટ પર હજુ પણ પ્રતિબંધ

  • June 12, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મણિપુરમાં એક મહિના કરતાં વધુ સમયથી હિંસા ચાલી રહી છે. થોડા સમયની શાંતિ બાદ ફરી હિંસા અને આગચંપી અનેક ભાગોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, રાજ્યભરમાં ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યા બાદ આ આદેશ આવ્યો છે. ત્યારે આ હિંસાને કારણે 50 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે.


હિંસાને પગલે મણિપુરમાં 3 મેના રોજ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ઘણી વખત પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા 10 જૂને જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. કમિશનરે જાહેર કરેલા આદેશમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અસામાજિક તત્વો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવી શકે છે. સોશિયલ મીડિયા પર અપ્રિય ભાષણ, નફરતના વીડિયોના સંભવિત પરિભ્રમણને ધ્યાનમાં રાખીને, પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.



મણિપુર સરકારે રવિવારે કહ્યું કે હિંસાનો ભોગ બનેલા લોકો માટે રાજ્યભરમાં 349 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકોએ આ હિંસામાં પોતાના ઘરોથી બેઘર બનીને આજે વિવિધ કેમ્પમાં રહવા મજબુર બન્યા છે. આ ઉપરાંત મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે અલગ-અલગ રાહત કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓને અહીં કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મણિપુર હિંસા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા રચવામાં આવેલી 10 સભ્યોની SIT ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં 6 FIR નોંધવામાં આવી છે. તેમાંથી પાંચ ગુનાહિત કાવતરા અને એક સામાન્ય ષડયંત્ર સાથે સંબંધિત છે. CBIની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી તપાસ કમિશનરને આપવામાં આવી છે, જેનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા છે.



3 મેના રોજ આદિવાસી એકતા માર્ચ પછી મૈઈતી અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. કુકી સમુદાયના સંગઠનોએ મૈઈતીના એસટીમાં સમાવેશ કરવાની માગણીઓ સામે પહાડોમાં કૂચ કરી હતી, જે બાદમાં હિંસક બની હતી. અહેવાલો અનુસાર, હિંસામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application