રાજ્ય સરકાર દ્વારા મ્યુકોર્માઇકોસિસને મહામારી ઘોષિત કર્યા પછી જી.જી. હોસ્પિટલમાં વધુ નવા બે વોર્ડ શરૂ કરાયા

  • May 22, 2021 10:47 AM 

હાલ જી.જી.હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના ૧૦૮ દર્દીઓ સારવાર હેઠળ: ૩ દર્દીના મૃત્યુ: દર્દીઓને અપાતો ઇન્જેકશનનો જથ્થો જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયો: સૌપ્રથમ જી.જી. હોસ્પિટલના દર્દીઓને અપાશે

રાજ્ય સરકાર દ્વારા મ્યુકોર્માઇકોસિસની બીમારીને મહામારી ઘોષિત કર્યા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તે અંગેના અલાયદા વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં એક સપ્તાહ પહેલાં દર્દીઓ સામે આવ્યા પછી બે વોર્ડ શરૂ કરાયા હતા, જે હાલમાં ફુલ થઇ ગયા હોવાથી નવા બે શરૂ કરી દેવાયા છે. આ ઉપરાંત તે બીમારીના જરૂરી ઇન્જેક્શનોનો જથ્થો રાજ્ય સરકાર તરફથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવી ગયો છે, અને સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અપાશે, ત્યારપછી જ અન્ય ખાનગી હોસ્પિટલોમાં પહોંચાડશે.

 

જામનગરમાં કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે, પરંતુ બ્લેક ફંગસ એટલે મ્યુકોર્માઇકોસિસના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક સપ્તાહ પહેલા બ્લેક ફંગસ અંગેના ત્રીજા માળે બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતા, અને ગઇકાલ સુધીમાં તે વોર્ડમાં ૧૦૪ દર્દીઓ દાખલ થયા હતા, જેમાં આજે ૦૪ દર્દીઓનો વધારો થયો છે. અને હાલ ૧૦૮ દર્દી સારવાર હેઠળ છે.

 

ઉપરોક્ત બંને વોર્ડ ફુલ થઇ ગયા હોવાથી જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા બીજા માળે વધુ બે નવા વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આજે કાર્યરત પણ થયા છે, જેમાં બ્લેક ફંગસના દર્દીઓને સારવાર અપાશે, રાજ્ય સરકાર દ્વારા બ્લેક ફંગસની બીમારી માટેના એમ. એમ્ફોટેરીશિન-બી ના ૪૦૦ થી વધુ ઇન્જેક્શનનો જથ્થો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે, અને જી.જી. હોસ્પિટલમાંથી જ આવા ઇન્જેક્શનો આપવા માટેની વ્યવસ્થા ગોઠવાશે, અને સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઈન્જેક્શનનો જથ્થો પહોંચાડી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ પૂરતું જી.જી. હોસ્પિટલના દર્દીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે, અને સૌપ્રથમ ઇન્જેક્શનના ડોઝ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જ અપાઇ રહ્યાં છે.

 

જે ઇન્જેક્શનો અંગેની જવાબદારી જામનગરના વહીવટી તંત્ર દ્વારા જ સંભાળીને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રખાશે, રાજ્ય સરકાર તરફથી જુદી જુદી ૬ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન (લિપોસોમલ) કંપનીઓ પૈકીની નિયંત્રણ સાથેના ભાવનું લીસ્ટ મોકલાવ્યું છે, તે ભાવને અનુરૂપ ઇન્જેક્શન જથ્થો ખરીદનારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી રહી છે.

 

જામનગરની ખાનગી હોસ્પિટલમાં આવા કોઈ દર્દીઓ દાખલ હશે તો તે દર્દીનું નામ અને તેનો રિપોર્ટ, બ્લેક ફંગસ અંગેની સારવારના જરૂરી કાગળો, રિપોર્ટ, તેમજ સારવાર કરનાર તબીબની લેખિત બાંહેધરી વગેરે ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ ઇન્જેક્શનનો જથ્થો અથવા જરૂરી દવા તેને આપવામાં આવશે.

 

રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી છ કંપનીઓના નામોની યાદી બનાવી છે અને તમામ ઈન્જેક્શનના નિયંત્રણ સાથેના અને જીએસટી સાથેના ભાવ રૂ. ૫,૩૨૪ થી ૬,૨૪૭ સુધીના નકકી કરાયા છે, આ ઉપરાંત લાઇફિલિસેડ ઇન્જેક્શનનો ભાવ રૂપિયા ૨૨૦.૫૦ નકકી થયો છે, જ્યારે એમ્ફોટેરીશિન-બી ઇન્જેક્શન (એમલુશન) નો ભાવ રૂપિયા ૧,૪૯૬.૦૬ નક્કી કરાયો છે, જે ભાવ અનુસાર ઇન્જેક્શન મુજબ દર્દીઓને પૂરો પાડવામાં આવશે.

 

હાલમાં જામનગર શહેરની ખાનગી હોસ્પિટલોમાં ફંગસના કોઈ દર્દીઓ સારવાર હેઠળ નથી, અથવા તો તેમના માટેના જરૂરી ઈંજેક્શનો અંગે વહીવટીતંત્ર પાસે ડિમાન્ડ પણ નથી, અને આવા કોઈ દર્દી હોય તો તેમને તેઓને સત્વરે જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS