લાંબા સમય બાદ આઠમના દિવસે જામનગર મોડી રાત સુધી ધમધમશે

  • August 25, 2021 11:43 AM 

જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ ભકતો તહેવાર ઉજવી શકે તે માટે રાત્રે 11 ને બદલે 1 વાગ્યા સુધી દર્શન કરી શકશે: ગણેશ મહોત્સવમાં રાત્રિના 12થી કર્ફયુ લાગશે: શોભાયાત્રા અને મટકી ભોડના કાર્યક્રમ પર પ્રતિબંધ

સાતમ, આઠમના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે સોમવાર 30ના રોજ જન્માષ્ટમી મહોત્સવની રંગેચંગે ઉજવણી થાય તે માટે રાજ્ય સરકાર કૂણી પડી  છે અને એક દિવસ માટે રાત્રિના કર્ફયુમાં બે કલાકની વધુ છૂટ આપી છે અને આ દિવસે રાત્રે 1 વાગ્યા સુધી તેમજ ગણેશ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકશે તેમ જાહેર કરાયું છે.

સરકારે સંચારબંધી જાહેર કરી છે અને 11થી 6 દરમિયાન એનો અમલ થયો છે ત્યારે જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણભકતો કાળિયા ઠાકોરના દર્શન કરી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય પાણીની અધ્યક્ષતામાં કાલે મળેલી કોર કમિટિની બેઠકમાં જન્માષ્ટમીની રાત્રે 1 વાગ્યે લોકો દર્શન કરી શકે તે માટે છૂટછાટ આપી છે.

જન્માષ્ટમીના દિવસે જે તે મંદિરમાં એક સમયે 200 દર્શનાર્થીઓ દર્શન કરી શકશે અને તમામ લોકોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જો કે, સરકારે શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને મટકીફોડ ઉત્સવ પણ યોજી નહીં શકાય તેવું જાહેર કર્યું છે.

ગઈકાલે મળેલી કોર કમીટીની બેઠકમાં ગણેશ મહોત્સવ વિશે પણ સરકારે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. વધુમાં વધુ ચાર ફૂટની ગણેશજીની મૂર્તિઓ જાહેર સ્થળોએ અને ઘરમાં બે ફૂટ સુધીની મૂર્તિઓનું સ્થાપન કરી શકાશે. આ ઉપરાંત જાહેર સ્થળોએ કોવિડના નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પૂજા-આરતી થઈ શકશે પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જનના કાર્યક્રમમાં 15 લોકોને જ વાહનમાં આવન-જાવન કરવાની છૂટ આપવામાં આવી છે.

દ્વારકાના મંદિરમાં દર વર્ષે દોઢથી બે લાખ કૃષ્ણભકતો એકઠાં થાય છે ત્યારે આ વર્ષે ત્યાં પણ પ્રતિબંધની શક્યતા છે જો કે, મંદિરમાં કેટલાં પ્રવેશી શકશે? તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ દર વર્ષની જેમ અષ્ટમી ઉજવી શકાશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS