સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓગસ્ટ માસમાં નેટ અને જીસ્લેટ પાસ વિદ્યાર્થીઓ માટે જ અલગ અલગ 16 વિષયની 43 બેઠકો પર પીએચડીના એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ આ મામલે ભારે વિરોધ થયો હતો. ગાઈડની સંખ્યા વધુ છે અને તેથી પીએચડીની બેઠક પણ વધવી જોઈએ તેવી વ્યાપક રજૂઆતો અને આંદોલન પછી આખરે યુનિવર્સિટીએ વધુ 65 બેઠક પર પીએચડીના એડમિશન આપવા માટેની જાહેરાત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર શરૂ થઈ ગઈ છે. તારીખ 30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં અરજી કરી હોય તેમણે નવેસરથી અરજી કરવાની નથી પરંતુ આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ ડીઆરસી યોજવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે.
આગામી તારીખ 12 ડિસેમ્બરના રોજ આવેલી અરજી પર પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી 15 ડિસેમ્બરના પરિણામ જાહેર કરવામાં આવશે. વેરિફિકેશનની કામગીરી તારીખ 16 થી 19 ડિસેમ્બર વચ્ચે અને ડી.આર.સી તારીખ 20 થી 24 દરમિયાન લેવામાં આવશે.
13 વિષયની 65 સીટ માટે પીએચડીમાં એડમિશન આપવામાં આવશે તેમાં એપ્લાઇડ ફિઝિક્સ, માઈક્રોબાયોલોજીમાં છ, કોમ્પ્યુટર સાયન્સમાં 10 ફિઝિક્સમાં 7 આંકડાશાસ્ત્રમાં ચાર ઝુલોજીમાં પાંચ ફાર્મસીમાં નવ, બોટની ફિઝિયોલોજી અને ભૂગોળમાં બબ્બે, કેમેસ્ટ્રીમાં ત્રણ હિન્દીમાં આઠ મેથેમેટિક્સમાં એક અને આંકડાશાસ્ત્રમાં ચાર બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.
યુનિવર્સિટીએ પરીક્ષાનું જે માળખું જાહેર કર્યું છે તે મુજબ 100 માર્કનું એમસીક્યુનું પેપર હશે અને તે માટે ઉમેદવારને 120 મિનિટનો સમય આપવામાં આવશે. 100 માર્કના આ પેપરમાં 50 માર્ક નું રિસર્ચ મેથોડોલોજી આધારિત અને 50% પ્રશ્ન જે તે વિષયના રાખવામાં આવશે. પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ રહેશે અને અરજી કરનાર ઉમેદવારે રુ.800 ની ફી ભરવી પડશે.