ખંભાળિયા શહેરમાં સફાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા પાલિકા દ્વારા એક્શન પ્લાન

  • May 29, 2021 11:13 AM 

વોર્ડ વાઈઝ સધન સફાઈ ઝુંબેશનો પ્રારંભ

ખંભાળિયા શહેર કે જે અગાઉ સફાઈના મુદ્દે ખૂબ જ વગોવાઈ ગયેલું હતું અને શહેરના વિકાસ કાર્યો ઠપ્પ થઈ ગયા હતા. હાલ નગરપાલિકામાં અસ્તિત્વમાં આવેલી નવી બોડી દ્વારા સફાઈના મુદ્દે પ્રાધાન્ય આપી, અનેકવિધ વિકાસકાર્યો માટે નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

શહેરમાં સફાઈ કાર્ય સુદ્રઢ બને તે હેતુથી નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હાને સાથે રાખીને પાલિકાના હોદ્દેદારો દ્વારા નવતર અભિગમ અપનાવી, વોર્ડ વાઇઝ સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નંબર 1 થી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ અંતર્ગત શહેરમાં સફાઈ કાર્ય માટે પાલિકાના એકસોથી વધુ સફાઈ કામદારો, રોજમદાર કર્મચારીઓ, મુલી મજુર, મુકદમો તથા સુપરવાઇઝર સહિતના સફાઇ કર્મીઓ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ તેમજ રાત્રી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય વિગેરે તમામ કોર્પોરેટર સહિતની ટીમ ખભે-ખભા મિલાવીને કામગીરી કરી રહી છે.

વોર્ડ નંબર 1 થી હાથ ધરાયેલા આ ખાસ સફાઈ ઝુંબેશ માટે ઈમ્તિયાઝખાન પઠાણ, રવિરાજસિંહ જાડેજા સહિતના કોર્પોરેટર સાથે સેનિટેશન ઇન્સ્પેક્ટર રમેશભાઈ વાઘેલા તથા કમિટી ચેરમેન હરેશભાઈ ભટ્ટ દ્વારા અંગત દાખવવામાં આવ્યો હતો.

શહેરમાં સુલભ શૌચાલય તથા જાહેર મુતરડીઓ બનાવવામાં આવશે

ખંભાળિયા શહેરમાં જિલ્લાના અનેક ગામોનું હટાણું છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે અહીં મુતરડી તથા જાહેર શૌચાલય નહિવત તથા બંધ પરિસ્થિતિમાં હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

આ મુદ્દે પાલિકાના સત્તાવાળાઓ દ્વારા પ્રાધાન્ય આપી હાલ જે સુલભ શૌચાલય બંધ હાલતમાં કે અનિયમિત હાલતમાં ચાલે છે, તેઓના સંચાલકોને નોટિસ આપવા, જુના અને જર્જરીત મૂતરડી અને શૌચાલયને નવેસરથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આટલું જ નહિ, શહેરના મહત્વના વોર્ડ નંબર 5 તથા 6 અને 7 માં જરૂરિયાત મુજબની જગ્યાઓ પર નવેસરથી જાહેર મુતરડી તથા શૌચાલય બનાવવા માટેની ચર્ચા વિચારણાઓ પણ હાથ ઉપર લેવામાં આવી છે. શહેરમાં સંભવિત રીતે પ્રથમ વખત આ મહત્વનો મુદ્દો ગંભીરતાપૂર્વક પાલિકાના સત્તાવાહકો દ્વારા પ્રાધાન્ય સાથે અમલમાં મૂકવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS