ગુજરાત માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની મુખ્ય પરીક્ષાઓ ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થનાર છે, પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ કેન્દ્રો, પરીક્ષાર્થીઓની સંખ્યા, બ્લોક બિલ્ડીંગ અંગેની વ્યવસ્થા માટે સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. રાજયભરની સાથો સાથ જામનગરમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે આ વર્ષે બોર્ડમાં કુલ ૨૭ હજારથી વધુ વિધાર્થીઓ નોંધાયા છે અને કુલ ૯૫ બિલ્ડીંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આગામી તા. ૨૭ ફેબ્રુઆરથી શરૂ થનાર છે જયારે બોર્ડ દ્વારા પરીક્ષાનું સમય પત્રક અને વિષયવાર બિલ્ડીંગ મુજબ પરીક્ષા કેન્દ્રો ખાતેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે, સંભવીત આ વિગતો મુજબ જામનગર ખાતે ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૫માં એસએસસીમાં જામનગરમાં કુલ ૧૭૨૩૨ પરીક્ષાર્થીઓ નોંધાયા છે, અને જામનગર શહેરમાં ૬ સેન્ટર, ૩૩ બિલ્ડીંગ અને ૩૦૭ બ્લોકનો સમાવેશ થાય છે, જામનગર દિગ્વીજય ખાતે ૩ સેન્ટર, ૨૬ બિલ્ડીંગ અને ૨૭૩ બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૬૧૮ વિધાર્થીઓ નોંધાયા છે, જેમાં પરીક્ષા કેન્દ્ર ૫, બિલ્ડીંગ ૨૭ અને બ્લોક ૨૭૯ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૭૩૮ વિધાર્થીઓ જેમાં ૨ પરીક્ષા કેન્દ્ર અને ૯ બિલ્ડીંગ તથા ૮૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમ એસએસસી અને એચએસસી બંને પ્રવાહમાં જામનગર જીલ્લામાં કુલ ૨૭૫૮૮ વિધાર્થીઓની સંભવીત આંકડાકીય માહિતી આપવામાં આવી છે જેમાં કુલ ૯૫ બિલ્ડીંગના ૯૪૭ બ્લોકનો સમાવેશ થાય છે.
પરીક્ષા કેન્દ્રોમાં જામનગર સીટીમાં ધ્રોલ, જામનગર શહેર, કાલાવડ, જોડીયા, લાલપુર, સિકકા તથા જામનગર દિગ્વીજય (૧૦૭) માં જામજોધપુર, જામનગર દિગ્વીજય, જાંબુડા પાટીયાનો સમાવેશ થાય છે. સંસ્કૃત પ્રથમાં જામનગરમાં કુલ ૭૧ વિધાર્થીઓ અને સંસ્કૃત મઘ્યમાં જામનગર ખાતે ૬૪ વિધાર્થીઓ નોંધાયા છે.
૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ધો. ૧૦માં પ્રથમ પેપર ગુજરાતી, હિન્દી વિગેરે જેવી ભાષાના લેવાશે, જયારે એ પછી ગણિત, સામાજીક વિજ્ઞાન, અંગ્રેજી દ્વીતીય, ગુજરાતી દ્વીતીય, વિજ્ઞાન અને અન્ય ભાષાઓના પેપર લેવાશે, ૧૦ માર્ચ સુધી આ પરીક્ષા ચાલશે.
ધો. ૧૨ સા.પ્ર. અને ઉત્તર બુનીયાદી પ્રવાહનો કાર્યક્રમ જાહેર થયો છે જેમાં ૨૭ ફ્રેબુઆરીથી ૧૭ માર્ચ સુધી અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી ઉપરાંત ધો. ૧૨ વિ.પ્ર.ના કાર્યક્રમ મુજબ તા. ૨૭ ફેબ્રુઆરીએ પ્રથમ પેપર ભૌતીક વિજ્ઞાન, ૧લી માર્ચે રસાયણ વિજ્ઞાન, ૩ માર્ચ જીવ વિજ્ઞાન, ૫ માર્ચ ગણિત. ૭ તારીખે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા એ પછી ૧૦ માર્ચ સોમવારે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સીંધી, તામીલ સહિતની ભાષાઓના પેપરો અને કોમ્પ્યુટર અઘ્યન (સૈઘ્ધાંતીક)ની પરીક્ષા લેવાશે. સ્થાનીક શિક્ષણ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં લેવાય એ માટે સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે અને જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ખાતેની વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા છે. કલેકટરના અઘ્યક્ષસ્થાને જામનગર ઇન્ચાર્જ ડીઇઓ અને અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ બોર્ડની પરીક્ષા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે અને આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા નજીક આવતા તમામ તૈયારીઓ અંગેની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.