રાજ્યમાં શાળાઓને જાતિ, મતદાર નોંધણીની સોંપતી કામગીરી અંગે શૈક્ષણિક સંઘ દ્વારા ઉગ્ર રજૂઆતો

  • July 29, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાતિના પ્રમાણપત્રો, મતદાર નોંધણીનું કામ શાળાને સોંપાય છે ..!!



ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ કે જેમાં આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અને ટ્રસ્ટીઓના તમામ સંઘો જોડાયેલા છે, તેના હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયાને રૂબરૂ મળીને પડતર પ્રશ્નો અંગે તથા શાળાઓને સોંપાતા જાતિના પ્રમાણપત્રોના કામ તથા મતદાન નોંધણીના કામ અંગે રજૂઆતો કરવામાં આવી છે.


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ તથા સમાજ કલ્યાણ અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર કરાવીને ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતા છાત્રોના જાતિના પ્રમાણપત્રો તથા 18 વર્ષની ઉંમરવાળાનું મતદાન નોંધણી પ્રમાણપત્રનું કામ શાળાઓને સોંપવામાં આવ્યું છે. જે કામ સમાજ કલ્યાણ કચેરી તથા મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીએ કરવાનું હોય, તે કામ શાળાઓને સોંપાયું છે. અધુરામાં પૂરું હાલ શાળાઓમાં 13,000 શિક્ષકો, 1,500 આચાર્યો તથા 1,000 ક્લાર્ક અને 1,500 પટાવાળાની જગ્યાઓ ઘણા સમયથી ખાલી હોવાની સ્થિતિમાં છે. ત્યારે આ કામોથી બાળકોનું શિક્ષણ બગડે તેમ હોય, તાકીદે કામગીરી બંધ કરાવવા માટેની માંગ કરાઈ છે.


આ ઉપરાંત 2022 ની સામાન્ય ચૂંટણી પહેલા જે પ્રશ્નોના નિરાકરણનો સ્વીકાર થયો હતો તે 1 એપ્રિલ 2005 પહેલાં નિયુક્ત કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ, નવા નીમાયેલા આચાર્યને એક ઈજાફાનો લાભ, સી.પી.એફ. કર્મચારીને નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર, નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવો, શાળાઓમાં ક્લાર્ક-પટાવાળાની ભરતી કરવી જેવા અનેક પ્રશ્નો હજુ સુધી પડતર છે, તેનો તાકીદે ઉકેલ લાવવાની પણ માંગ કરાઈ છે.


આ મહત્વના પ્રશ્નોનું એક માસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા ભરતભાઈ ચૌધરી વિગેરેની આગેવાનીમાં મળેલા પ્રતિનિધિ મંડળ દ્વારા આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application