ભાણવડના ચકચારી ડ્રગ્સ પ્રકરણનો ઝડપાયેલો આરોપી દસ દિવસના રિમાન્ડ પર

  • March 19, 2021 10:20 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર કહી શકાય તેટલા રૂપિયા સાડા બાર લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા મૂળ ભાણવડના અને હાલ મુંબઇ ખાતે રહેતા આરોપીને પોલીસે સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સમગ્ર જિલ્લામાં ભારે ચકચારી એવા આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ નજીકના ત્રણપાટીયા વિસ્તારમાંથી મંગળવારે એલ.સી.બી. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસેથી મૂળ ભાણવડના રહીશ અને હાલ મુંબઈના મીરા રોડ ખાતે રહેતા તથા કાપડનો ધંધો કરતા મહંમદહુશેન અલી રીંડાણી નામના 54 વર્ષના શખ્સની અટકાયત કરી, ચેકિંગ કરતા તેની પાસેથી રૂપિયા 12.45 લાખની કિંમતનું 124.5 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) મળી આવ્યું હતું. આથી પોલીસે જુદા-જુદા મુદ્દામાલ સાથે તેની એન.ડી.પી.એસ. એક્ટ મુજબ અટકાયત કરી તેના કોરોના રિપોર્ટ બાદ વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને ગઈકાલે ગુરૂવારે સાંજે તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા ભાણવડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં મુંબઈના સપ્લાયર તથા જામનગરના અન્ય એક શખ્સ મળી કુલ ત્રણ શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. જેને હાલ ફરાર ગણી, પોલીસ દ્વારા આ શખ્સોની તપાસ સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આરોપી મહંમદહુસેનના બાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જે સંદર્ભે નામદાર અદાલતે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS