BREAKING NEWS

ગુજરાતમાં ગરમીનો કહેર ચરમસીમાએ...સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે સૌથી ગરમ, રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન

  • May 18, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં ઉનાળાની તીવ્ર ગરમી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજકોટમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેતાં 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે વહેલી સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સવારે 8:30 વાગ્યે જ તાપમાન 29.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર ૭૦ ટકા રહ્યું હતું અને પવનની સરેરાશ ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.


અન્ય શહેરોમાં પણ ગરમીનો ત્રાસ યથાવત રહ્યો હતો. અમરેલીમાં 43.3 ડિગ્રી, અમદાવાદમાં 43.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ અને વડોદરામાં 42.6 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, ભાવનગરમાં 41.9 ડિગ્રી અને સુરતમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જુનાગઢમાં 40.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહ્યું હતું. પોરબંદરમાં 35.4 ડિગ્રી તથા વેરાવળ અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


તીવ્ર ગરમીને કારણે બપોરના સમયે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરોમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા અને લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તબીબો દ્વારા પણ ગરમીમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગરમીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News