ઠેબા ચોકડી પાસે ઇકો અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત: સાળા-બનેવીના મૃત્યુ

  • November 26, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડથી નવી કાર લખાવવા જામનગર આવતી વેળાએ કાળ ભેટયો: પરિવારમાં ઘેરા શોકની લાગણી: ઇકોચાલક સામે ફરીયાદ


જામનગર નજીક ઠેબા ચોકડી આઇઓસી રોડ પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોઝારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના કબણ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન કાળનો ભેટો થયો હતો, આ બનાવ અંગેની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી દરમ્યાન ઇકો ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


કાલાવડમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) નામનો યુવાન નવી કાર ખરીદ કરવી હોવાથી લખાવવા માટે  મોટર સાયકલ નં. જીજે10સીએચ-7483માં બેસીને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં બનેવી રાજેશભાઈ ગંગાજળિયા (45)ને પાછળ બેસાડ્યા હતા.


જેઓ બંને ગઈકાલે બપોરે 4.15 વાગ્યે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી આઇઓસીના રોડ પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જીજે10 ડી.જે. 7235 નંબરની ઇકો કારના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.


જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.


આ અકસ્માતના બનાવ અંગે પંચકોસી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન શેખ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. એન. લાંબરીયા, વનરાજભાઇ વિગેરે ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


દિનેશભાઇ સોડાગરએ પંચ-એમાં ઇકો ગાડી નં. જીજે10ડીજે-7235ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતું કે ફરીયાદીના ભાઇ ભુદરજીભાઇના પુત્ર લક્ષ્મીકાંત તથા ફરીયાદીના ભાઇના જમાઇ રાજેશભાઇ બંને મોટરસાયકલ લઇને કાલાવડથી જામનગર જતા હતા ત્યારે સામેથી ઇકો ગાડીના ચાલકે ફુલસ્પીડમાં ચલાવીને અકસ્માત સર્જી બાઇકમાં બેઠેલા બંનેના મોત નિપજાવી ગુનો કર્યો હતો. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application