ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે. આ ચૂંટણીલક્ષી ગતિવિધિઓમાં આજે બે મોટા વળાંક આવ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીએ પોતાના 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરીને રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે, તો બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરીને વહીવટી પ્રક્રિયાને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ દ્વારા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી છે. આ યાદીમાં તાલુકા પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધીના કુલ 460થી વધુ ઉમેદવારોના નામ સામેલ છે. ઈસુદાન ગઢવીએ આ તકને ગુજરાતના સામાન્ય માણસ માટે 'સોનાનો સૂરજ' ગણાવતા કહ્યું હતું કે, પાર્ટીએ વર્ષોથી ચાલી આવતી પરિવારવાદની રાજનીતિને ફગાવીને સામાન્ય અને પાયાના કાર્યકરોને તક આપી છે.

તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી માત્ર નેતાઓના દીકરાઓ કે કરોડપતિઓને જ ટિકિટ મળતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામાજિક રીતે સક્રિય અને મધ્યમ વર્ગના લોકોને ચૂંટણી લડવાની તક આપી છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની ઊંડી ચર્ચા-વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો, કુલ 18 વોર્ડની 72 બેઠકો પૈકી પ્રથમ યાદીમાં 20 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ચારમાં તમામ ચાર બેઠકો પર નામ જાહેર કરાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર પાંચ અને છમાં ત્રણ-ત્રણ ઉમેદવારો, વોર્ડ નંબર એક, આઠ, સતર અને અઢારમાં બે-બે ઉમેદવારો તથા વોર્ડ નંબર નવ અને 14માં એક-એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી જાહેર થતા જ સ્થાનિક સ્તરે પ્રચાર કાર્યમાં તેજી જોવા મળી રહી છે.

ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાતની જનતા હવે જાતિ-ધર્મ કે વંશવાદની રાજનીતિથી ઉપર ઉઠીને પરિવર્તનને સ્વીકારશે. તેમણે દાવો કર્યો હતો કે જે લોકો અત્યાર સુધી માત્ર મત આપવાનું કામ કરતા હતા, તેમને હવે સત્તામાં ભાગીદારી આપવાનું કામ 'આપ'એ કર્યું છે. જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ અને મુખ્ય વિરોધ પક્ષ પણ હવે ટૂંક સમયમાં પોતાના પત્તા ખોલે તેવી શક્યતા છે.

આગામી દિવસોમાં જ્યારે ફાઈનલ મતદાર યાદી અને ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત થશે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર રાજકીય જંગ જામશે. હાલ તો 'આપ'ના પ્રથમ લિસ્ટ અને ચૂંટણી આયોગની સક્રિયતાએ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાવી દીધો છે.

ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ
વહીવટી મોરચે પણ ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી આયોગે ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટેની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 4,18,87,818 (4.18 કરોડથી વધુ) મતદારો નોંધાયા છે. જેમાંથી 2,16,15,633 પુરુષ મતદારો અને 2,02,71,220 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 965 અન્ય (થર્ડ જેન્ડર) મતદારો પણ નોંધાયા છે.

મતદારો માટે સુધારા-વધારાની તક
આ પ્રાથમિક યાદી જાહેર થવાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને વિગતો ચકાસવાની તક આપવાનો છે. જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય અથવા નામ, સરનામા કે અન્ય વિગતોમાં ભૂલ હોય, તો તેઓ આગામી 27 માર્ચ સુધીમાં સંબંધિત કચેરીએ અરજી કરી શકે છે. ચૂંટણી આયોગે આ પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવા પર ભાર મૂક્યો છે જેથી કોઈ પણ પાત્ર મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.










