રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (ડીએસટી) વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવ મુજબ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ટોપ–હાઈ વોલ્યુમ સર્વિસિસ’ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય ગુજરાત વહીવટી સુધારણા આયોગના પાંચમા અહેવાલની ભલામણોને આધારે લેવામાં આવ્યો છે.
સરકારનો મુખ્ય હેતુ નાગરિકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં પારદર્શિતા લાવવાનો અને સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવાનો છે. એક જ વ્યક્તિ અલગ-અલગ ઓળખ ઉભી કરી વારંવાર લાભ ન લે તે સુનિશ્ચિત કરવા માટે આધાર આધારિત ઓળખ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે નાણાંકીય સહાય, સબસિડી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે પણ આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ ઠરાવના અમલીકરણ બાદ આવકના દાખલા, સામાજિક વર્ગના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે સુધારવા, સોગંદનામા સહિત અંદાજે 20 જેટલી મુખ્ય સરકારી સેવાઓમાં આધાર પ્રમાણીકરણ જરૂરી બનશે. આધાર સાથે સેવાઓ જોડાતા નાગરિકોને વારંવાર ઓળખ અને રહેઠાણના પુરાવા રજૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સરકારી પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. તેના કારણે ફાઇલ વર્ક ઘટશે, પ્રક્રિયાઓ ટૂંકી બનશે અને સેવાઓનો નિકાલ ઝડપી રીતે શક્ય બનશે. પરિણામે નાગરિકોને સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.
ડેટા પ્રાઇવસી અંગે સરકાર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. આધાર નંબરના માત્ર છેલ્લા ચાર આંકડાનો ઉપયોગ કરીને ‘માસ્ક આધાર’ દર્શાવવામાં આવશે અને આધાર સંબંધિત તમામ પ્રક્રિયા 2021ના નિયમો મુજબ સુરક્ષિત રીતે કરવામાં આવશે. નાગરિકોની વ્યક્તિગત માહિતીની ગોપનીયતા જળવાઈ રહે તે માટે જરૂરી ટેકનિકલ સુરક્ષા વ્યવસ્થા પણ અમલમાં રહેશે.
આધાર પ્રમાણીકરણ માટે લાભાર્થીઓને વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઈમ પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન દ્વારા ઓળખ સ્થાપિત કરી શકાશે. જો કોઈ તકનીકી કારણોસર આધાર પ્રમાણીકરણ શક્ય ન બને, તો વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પણ લાભ આપવામાં આવશે, જેથી કોઈપણ પાત્ર નાગરિક વંચિત ન રહી જાય. સરકારનો આ નિર્ણય ડિજિટલ ગવર્નન્સ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.