વૈશ્વિક શેરબજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) થીમ આધારિત બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો કે, વોલ સ્ટ્રીટ (અમેરિકી શેરબજાર)માં સોમવારે જોરદાર વાપસી જોવા મળી હતી. શુક્રવારે કોવિડ મહામારી પછીના સૌથી મોટા ઘટાડા બાદ, સોમવારે એઆઇ અને ટેક શેરોમાં સસ્તા ભાવે ખરીદારી (વેલ્યુ બાઇંગ) નીકળતા નેસ્ડેક કમ્પોઝિટ ૧.૪૦ ટકા વધી ગયો હતો. આ અગાઉ શુક્રવારે વ્યાજ દરો વધવાની આશંકા અને એઆઇ કંપનીઓની ભવિષ્યની કમાણી ઘટવાના સંકેતોથી નેસ્ડેક ૪.૭ ટકા કરતા વધુ તૂટ્યો હતો. સોમવારે એનવીડિયા અને માઇક્રોન જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં ભારે ખરીદારી થતાં રોકાણકારોનો ભરોસો પાછો ફર્યો છે કે મજબૂત અમેરિકી અર્થતંત્ર અને એઆઇ સેક્ટરની વધતી સંભાવનાઓ કંપનીઓની કમાણીને ટેકો આપતી રહેશે.
બીજી તરફ શુક્રવારના ભારે ઘટાડા બાદ સોમવારે પણ દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા એઆઇ થીમ આધારિત એશિયાઈ બજારોમાં મોટો કડાકો ચાલુ રહ્યો હતો, જેના કારણે 'શું એઆઇનો પરપોટો ફૂટવા લાગ્યો છે?' તેવા સવાલો થઈ રહ્યા છે. ગ્લોબલ બજારોની સ્થિતિ પર નજર કરીએ તો વિવિધ દેશોના ઇન્ડેક્સમાં આ મુજબનો મોટો ઘટાડો નોંધાયો છે
કોસ્પી (દક્ષિણ કોરિયા) ૯.૦૩ ટકાથી વધુ લુડકીને સૌથી મોટો ફટકો સહન કર્યો છે. જકાર્તા કમ્પોઝિટ (ઇન્ડોનેશિયા) ૪.૭૩ ટકાનો, નિકકેઈ (જાપાન) ૪.૧૦ ટકા, ટાઇએક્સ (તાઇવાન) ૩.૬૦ ટકા, સીએસઆઈ ૩૦૦ (ચીન) ૨.૧૪ ટકા, હેંગસેંગ (હોંગકોંગ) ૧.૩૫ ટકા અને સેન્સેક્સ (ભારત) ૦.૯૭ ટકાનો ઘટાડો થયો હતો. આ આંકડા દર્શાવે છે કે અન્ય એશિયાઈ બજારોની સરખામણીએ ભારતીય શેરબજાર ગેપ-ડાઉન ઓપનિંગ સાથે ભારે ઘટાડામાં ખુલવા છતાં ઘણું ઓછું તૂટ્યું હતું.