સુરેન્દ્રનગરમાં ગઈકાલે સવારે પરોઢીયે પાંચ વાગ્યે ઈડીએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કૌભાંડમાં કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર એમ. પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડ્યા હતા. બાદમાં આ કેસનો રેલો કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, હાઈકોર્ટના એક વકીલ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સુધી પહોંચ્યો હતો. રાત્રે 10 વાગ્યા સુધી આ પાંચેયના નિવાસસ્થાને તપાસ ચાલી હતી. કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ વિરૂદ્ધ ઈડીએ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ દાખલ કરી છે. આથી કલેક્ટરની પણ ધરપકડ તોળાઈ રહી છે. ઈડીએ કલેક્ટર રાજેન્દ્ર કુમારના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરી છે.
ચંદ્રસિંહ મોરીના ઘરેથી ઈડીને 67.50 લાખની રોકડ રકમ મળી
ચંદ્રસિંહ મોરીને ઘરેથી 67.50 લાખની રોકડ રકમ મળી આવતા ઈડીએ તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ચંદ્રસિંહ મોરીની વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. ઈડીએ કલેક્ટર ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ આ સમગ્ર તપાસ દરમિયાન ભ્રષ્ટાચારનો પણ મામલો સામે આવતા એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચારની તપાસમા ઝુકાવ્યું છે. જ્યારે ઈડી દ્વારા મની લોન્ડરિંગ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.
આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે ઈડીને ખખડાવી
આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો? જેના જવાબમાં ઈડીએ કહ્યું કે, કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે ઈડીની અટક અંગે, ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે.
સતત 17 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદા૨ ચંદ્રસિંહ મોરીને ત્યાં વહેલી સવારથી ઈડીના દરોડા પડ્યા હતા. આ તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠથી વધુ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. એક ટીમે કલેક્ટરના બંગલા પર તપાસ કરી હતી, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પહોંચી હતી. સતત 17 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. તપાસ ક્યાં મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે, આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે.
પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો
જોકે હજુ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. સમગ્ર તપાસનું એપી સેન્ટર આ પાંચ જણાંનું નિવાસસ્થાન હતું. કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ. પટેલના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. ઈડીની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આટલું મોટું જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી.
ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંક થઈ હતી
વઢવાણમાં રહેતાં નાયબ મામતલદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યે ઇડી તપાસ અર્થે ત્રાટકી હતી. તપાસ પૂર્ણ ન થઈ ત્યાં સુધી તેમના ઘરમાં કોઈને પ્રવેશ કરવા દીધો ન હતો. આઠ કલાકમાં એક વૃદ્ધા ઘરમાંથી બહાર આવ્યા હતા. જેમને આંગણામાં જ રોકી દેવાયા હતા. ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંક થઈ હતી. અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કલેક્ટરના નામે અમદાવાદમાં ફ્લેટ અન્ય સ્થળે પાંચ કરોડની જમીન
બેનામી સંપત્તિના કેસમાં ઈડીએ તપાસ કરી ત્યારે કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલના મોસાળ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાં અંદાજે 70થી 75 વીઘા જેટલી જમીન ઓનલાઇન સરકારી એપ્લીકેશનમાં તેમના નામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્ટમાં પણ તપાસ કરી હતી. કલેક્ટરના નામે અમદાવાદમાં ફ્લેટ, અન્ય સ્થળે પાંચ કરોડની જમીન છે. વર્ષ 2015ની આઈએએસ બેચમાં પાસ થયેલા ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલે હિંમતનગર, સુરત બાદ ફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેક્ટર પદે આવ્યા હતા.