કંકુ પગલાંની ખરીદી માટે મંગેતર સાથે જઇ રહેલી યુવતીનું અકસ્માતમાં મોત
કંકુ પગલાંની ખરીદી માટે મંગેતર સાથે જઇ રહેલી યુવતીનું અકસ્માતમાં મોત
April 20, 2026 03:19 PM
આટકોટ નજીક ખારચીયા ગામ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલી કારે સામેથી આવી રહેલી કારને હડફેટે લેતા અકસ્માતની આ ઘટનામાં જસદણની યુવતીનું મોત થયું હતું. યારે તેની સાથે રહેલ તેના મંગેતર અને મંગેતરના ભાઈને ઈજા પહોંચી હતી. ચાર મહિના પૂર્વે સગાઈ થયા બાદ યુવતી મંગેતર સાથે કંકુ પગલા માટેની ખરીદી કરવા જતી હતી દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવના પગલે આહીર પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો. અકસ્માતના આ બનાવ અંગે લાઠીમાં બગીચા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મધુભાઈ ડેર (ઉ.વ. ૨૪) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગ્રાન્ડ વીટારા નંબર જીજે ૧૧ ડીબી ૦૮૪૫ ના ચાલક નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બે ભાઈમાં સૌથી નાનો છે તેના મોટાભાઈ સંજયની જસદણમાં રહેતા નાથુભાઈ નાનકુભાઈ ભુતૈયાની પુત્રી વૈશાલી સાથે ચાર મહિના પૂર્વે સગાઈ થઈ હતી. ગઈકાલે સવારના આઠેક વાગ્યે મિત્રની નેકસન કાર નંબર જીજે ૩ કેપી ૧૯૩૯ લઈ યુવાન તથા તેના મોટાભાઈ સંજય ગોંડલ તથા રાજકોટમાં ભાભીના કંકુ પગલા કરાવવાના હોય જેથી તે માટે ખરીદી કરવા ભાઈના સસરાના ઘરે જસદણ સવારે નવ વાગ્યે પહોંચ્યા હતા. બાદમાં ભાભી વૈશાલીબેનને સાથે લઈ ત્રણેય અહીંથી ખરીદી કરવા માટે ગોંડલ જવા માટે નીકળ્યા હતા. કાર ફરિયાદી યુવાન હિતેશ ડેર ચલાવતો હતો. દરમિયાન દસેક વાગ્યે આસપાસ આટકોટ ગોંડલ રોડ પર ખારખીયા ગામથી આગળ અચાનક બ્લુ કલરની ગ્રાન્ડ વિટેરા કારના ચાલકે રોંગ સાઈડમાં વાહન ચલાવી યુવાનની કાર સાથે અકસ્માત સર્યેા હતો બાદમાં યુવાને કારમાંથી બહાર નીકળી જતા તેના ભાભી વૈશાલીબેનના કપાળ પરથી લોહી નીકળતું હતું તેમજ તેના ભાઈ સંજય પણ બેભાન થઈ ગયો હતો. બાદમાં ૧૦૮ મારફત યુવાન તેના ભાભી વૈશાલી અને સંજયને સારવાર માટે આટકોટની કે.ડી. પરવડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા અહીં યુવાનના ભાભી વૈશાલીબેન ને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. યારે યુવક અને તેના ભાઈને ઇજાઓ પહોંચી હોય અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર જસદણની યુવતી વૈશાલી નાથુભાઈ ભુતૈયા ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતી. લાઠીના સંજય સાથે સગાઈ થયા બાદ મંગેતર સાથે કંકુ પગલા માટેની ખરીદી કરવા જતા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટનામાં યુવતીએ જીવ ગુમાવતા બંને પરિવારોમાં કલ્પાંત છવાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે હિતેશ ડેરની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ગ્રાન્ડ વીટેરા નંબર જીજે ૧૧ ડીબી ૦૮૪૫ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.