તમારા ડોક્યુમેન્ટ સેફ રાખજો... પાટણમાં મજૂરને મળી GST વિભાગની 1.96 કરોડની નોટિસ, જાણો બનાવટી દસ્તાવેજના કૌભાંડનો મોટો ખેલ

  • January 23, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના દુખદા ગામમાં મજૂરી કરતા યુવકને બેંગલુરુ જીએસટી વિભાગની 1.96 કરોડની નોટિસ મળતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ નોટિસમાં જણાવાયું છે કે, યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11થી વધુ કંપનીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું છે.


યુવક પાટણ એસપી કચેરીએ પહોંચ્યો
યુવક સુનીલ સથવારા અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા નામના યુવકે તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરી પહોંચ્યા હતા.



ગૃહ વિભાગ અને સાયબર વિભાગમાં ફરિયાદ કરી
યુવકે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેમણે માંગ કરી છે કે, આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે.


મારા નામની 11 પેઢીઓ ચાલુ કરી
આ અંગે ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, મારા ગામડે ટપાલ દ્વારા બેંગ્લોરથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્ષ વિભાગની હતી. જેમાં 1 કરોડ 96 લાખનો મારે ટેક્ષ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ 11 પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે.


સુનીલ અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે
યુવકના સગાએ જણાવ્યું હતું કે, સુનીલ મારે ભત્રીજો થાય છે, જે અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે. અમે નાના માણસો છીએ. આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજુરી કામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરઉપયોગ કરીને કોઇએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઈને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. જ્યાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application