BREAKING NEWS

પ્રેમસંબંધનો કરુણ અંજામ: પરિણીતાને ભગાડનાર યુવકની હત્યા, વીડિયો વાયરલ કરનાર કુખ્યાત યુટ્યુબર સામે ગુનો દાખલ

  • May 01, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતા ૨૬ વર્ષીય યુવક નિલેશ રમેશ ચુડાસમાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ પ્રેમસંબંધ અને સામાજિક રોષ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


પ્રેમસંબંધ અને 'અલ્ટીમેટમ'ની કહાની

મૃતક નિલેશ સુરતમાં કડિયાકામ કરતો હતો, જ્યાં તેને એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત ૧૮ તારીખે નિલેશ આ મહિલાને લઈને ભાગી ગયો હતો. આ બાબતથી રોષે ભરાયેલા શખ્સોએ નિલેશને પકડવા માટે કાવતરું ઘડ્યું હતું. નિલેશના પરિવારનો આરોપ છે કે આરોપીઓએ અગાઉ તેમના ઘરે આવીને ધમકીઓ પણ આપી હતી.


યુટ્યુબરનો વીડિયો અને માફીનામું

આ ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા (તરુણ આહીર)એ નિલેશને અમદાવાદથી શોધી કાઢ્યો હતો. તરુણે નિલેશ પાસે બે હાથ જોડી માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વીડિયોમાં યુટ્યુબર ગર્જના કરતા કહી રહ્યો હતો કે, "સમાજની દીકરીને જે પણ ભગાડશે તેને છોડવામાં આવશે નહીં". આરોપીઓએ મૃતકના પરિવારજનો પર દબાણ લાવીને પણ વીડિયો બનાવડાવ્યા હતા.


હત્યા અને પોલીસ કાર્યવાહી

વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ, સાવરકુંડલાની વિરાણી હાઈસ્કૂલ પાછળની પડતર જગ્યામાંથી નિલેશનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. નિલેશના ભાઈ વિરલભાઈના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો વડે નિર્મમ માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને લાશને ફેંકીને ફરાર થઈ ગયા હતા.

સાવરકુંડલાના DYSP વિરલ ચંદને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ તેજ કરી છે. પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે

આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો 

તરુણ બાંભણીયા (યુટ્યુબર)

વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ

અમિત હડિયા

હાલ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. સોશિયલ મીડિયામાં કાયદો હાથમાં લઈને વીડિયો વાયરલ કરનારા અને ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ડિજિટલ યુગમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application