મોરબી રોડ પર પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા જતા કારે પલટી ખાધી: ટંકારાના યુવાનનું મોત
મોરબી રોડ પર પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા જતા કારે પલટી ખાધી: ટંકારાના યુવાનનું મોત
May 13, 2026 02:38 PM
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીથી આગળ પૂરપાટ ઝડપે જતી સ્વિફટ કાર વાહનને ઓવરટેક કરવા જતા અન્ય કાર સાથે અથડાઈ હતી. બાદમાં બંને કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર ટંકારાના યુવાન અને કારચાલક તેના ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. યુવાન તેના ભત્રીજા સહિતનાઓ સાથે રાજકોટ કપડાની ખરીદી કરવા માટે ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ટંકારામાં રહેતો યુવાન નવઘણ દાદુભાઇ ચૌહાણ (ઉ.વ.22) તેના ભાઈના દીકરા આકાશ દેવાભાઈ ચૌહાણ (ઉ.વ. 28 રહે. વડગામડા, થરાદ, પાલનપુર) તેમજ સુનિલ નાગજીભાઈ સિંધવ (રહે. ટંકારા), આશિક દિલીપભાઈ ચૌહાણ સહિતનાઓ સ્વીફ્ટ કાર નંબર જીજે 36 એલ 2786 માં રાજકોટથી ટંકારા પરત ફરી રહ્યા હતા. કાર આકાશ ચલાવી રહ્યો હતો. દરમિયાન મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીથી આગળ પહોંચતા પૂરપાટ ઝડપે વાહન ઓવરટેક કરવા જતા સામેથી આવતી કાર નંબર જીજે ૩ ટીઆર 6515 સાથે અકસ્માત સર્જતા બંને કાર પલટી ખાઈ ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં નવઘણ તથા કારચાલક આકાશ બંનેને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવઘણને પ્રથમ સરકારી બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મોતને ભેટનાર નવઘણ બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટો હતો અને અહીં ટંકારામાં જ તે ઘર પાસે ચાનો થોડો રાખી વેપાર કરતો હતો. તેને પત્ની મુસ્કાન સાથે છૂટાછેડા થઈ ગયા હોય જ્યારે તેનો પુત્ર નવદીપ (ઉ.વ.5) પિતા સાથે સાથે રહે છે. નવઘણ તેના ભત્રીજા આકાશ સહિતનાઓ સાથે રાજકોટ કપડાની ખરીદી કરવા માટે ગયા હતા અને અહીંથી ટંકારા પરત ફરતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.