૪૭ વર્ષની વયે વધુ એક યુવાનને ભરખી ગયો હૃદયરોગ : પરિવારમાં શોકની લાગણી
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા મોલમાં પિકચર જોવા ગયેલા એક યુવાનને અચાનક ગભરામણ થતા અને તબીયત લથડતા તેમનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. આજે તેમની અંતીમયાત્રા નીકળી હતી ત્યારે ગમગીની છવાઇ ગઇ હતી.
જામનગરના દિપક ટોકીઝની નજીક આવેલ મંગલ ભુવન ખાતે રહેતા હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ પુનાતર (ઉ.વ.૪૭) નામના યુવાનને ગઇકાલે રાત્રે જૈન સોશ્યલ ગ્રુપ ના સભ્યો સાથે મોલ ખાતે આવેલા મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે ગયા હતા, હજુ શો ચાલુ થાય એ સમય વેળાએ જ તેઓને ગરમી જેવુ અને ગભરામણ અનુભવાઇ હતી આથી સાથી મિત્રોએ તેઓને ઠંડુ પી લેવા કહયુ હતું. દરમ્યાન છાતીમાં દુ:ખાવો થયો હતો આ વેળાએ ત્યાં હોલમાં કોઇ ડોકટર પણ હાજર હતા જેમણે તાકીદે હીમાંશુભાઇને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી હતી અને એ દરમ્યાન જ ૧૦૮ને બોલાવી લેવામાં આવતા ૧૦૮ની ટીમ પણ તાત્કાલીક સ્થળ પર દોડી આવી હતી અને વધુ સારવાર અર્થે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા જો કે તેઓનું મૃત્યુ થયાનું બહાર આવ્યુ હતું.
યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું બહાર આવતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી, વધુમાં સુત્રોમાથી જાણવા મળેલી વિગત મુજબ હિમાંશુભાઇ પરણીત હોવાનુ અને કાર્ગો મોટર્સમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા વર્ગમાં હૃદયરોગના પ્રાણઘાતક હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે વધુ એક યુવાનનો હૃદય બંધ પડી જવાથી ભોગ લેવાતા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.