શિયાળામાં ફુટી નીકળતી પ્રજાતિ

  • November 22, 2023 10:30 AM 

વાળી ગઇ, શિયાળો આવ્યો. ચોમાસામાં બિલાડીના ટોપ ફુટી નીકળે એમ હવે એક પ્રજાતિ ફુટી નીકળશે. જીમ જોઇન કરનાર પ્રજાતિ. આ પ્રજાતિ પણ પેલી  ’સિઝનલ’ દૂકાનો જેવી ’સિઝનલ’ છે. જેમ ’સિઝનલ’ દૂકાનોમાં મકરસંક્રાંતિ જાય પછી પતંગો, હોળી જાય પછી રંગો, અને દિવાળી ડાય પછી ફટાકડા ન મળે એમ જ થોડો થોડો ઉનાળો શરૂં થતાં આ પ્રજાતિ દેખાતી બંધ થઇ જાય છે. અમૂક જનાવરો જેમ શિયાળો આવતાં જમીનમાં ઉતરી જાય છે ને પછી ઉનાળો આવે ત્યારે ભુગર્ભમાં ગરમી થતાં બહાર આવે છે એમ શિયાળામાં જીમ જોઇન કરનારી આ પ્રજાતિ ઉનાળો આવતાં ભુગર્ભમાં ઉતરી જાય છે. ઘણાં જનાવરો પોતાના દરમાં આખાં વર્ષનો ખોરાક એકઠો કરવાં માટે બહાર આવતાં હોય છે ને પછી ખોરાક એકત્ર થઇ જાય પછી દરમાં આખાં વર્ષ માટે જતાં રહે છે એમ આપણી આ પ્રજાતિને જેટલું શરીર ઉતારવું હોય છે એટલું ઉનાળો આવતાં ઉતરી ગયું હોય છે ને જેને શરીર સુડોળ બનાવવું હોય છે એનુ બની ગયું હોય છે. આ જ એ પ્રજાતિની મહાનતા છે. વળી પાછા આવતાં વર્ષે દિવાળી સુધીમાં ફરી વજન અથવા શરીર ઘટાડી અથવા વધારીને આવે. બસ ફર્ક એટલો હોય છે કે ગયાં વર્ષે ઘટાડનારનુ ઘટ્યુ હોતું નથી જે આ વર્ષે ત્રણ કિલો ’પુટ ઓન’ કરીને નવાં ટાર્ગેટ બનાવીને આવ્યાં હોય છે. ગયાં વર્ષે જેટલું ’ઓરિજીનલી’ હતું એટલું આ વર્ષે ઘટાડ્યા બાદ કરવાનો પ્લાન હોય છે. આ સિલસીલો છેલ્લાં આઠ વર્ષથી ચાલતો હોય છે. અને અંતે વાંક આજકાલના ખોરાક પર અને જીવનશૈલિ પર ઢોળીને આવતાં વર્ષે દિવાળી પછી ફરી જીમ જોઇન કરવાની અતૂટ પ્રતિજ્ઞા લઇને કુંભકર્ણની જેમ ચિરનિદ્રામાં પોઢી જતાં હોય છે.
જીમનો પહેલો દિવસ હોય અને જીમમાં જતાં વેત જ ત્યાં ઓળખીતાને જોઇને આનંદમાં આવી જનારના ઉદ્ગાર આ મૂજબ જ હોય અરે મહેશ, તું અહીયાં ! વાહ, તો તો મજા આવશે ! મહેશ મનમાં ને મનમાં કહેતો હોય કે દિકરા, ત્રણ દિવસ કર પછી ખબર પડશે કે કેવી મજા આવે છે ! જીમ ટ્રેઇનરે કહ્યું જ હોય કે શરૂઆતના બે ત્રણ દિવસ વધારે એક્સરસાઇઝ નથી કરવાની છતાં જામી પડ્યા હોય. શિયાળો પૂરો થતાં એઇટ પેક્સ જો બનાવવા હોય. સપના તો એવાં લઇને આવ્યાં હોય કે ’બસ, જ્હોન અબ્રાહમ જેવું બોડી બની જાય ને એટલે બસ. એનાથી વધારે નથી બનાવવુ’ જ્હોન અબ્રાહમ જો આ સાંભળી લે તો આ ભાઇને પદ્મશ્રી આપવાની ભલામણ પોતે જ કરી દે. અને આટલો સારો અભિનય અને ડાયલોગ ડિલીવરી પોતાની નથી એ વિચારીને આગામી સાઇન કરેલી બે ફીલ્મો છોડવાનુ વિચારી લે.


પહેલાં દિવસે વધારે એક્સરસાઇઝ કરવાની ના પાડી હોય તો પણ ધમાચકડી બોલાવી હોય પછી બે દિવસ રજા રાખે. કેમ કે તાવ આવી ગયો હોય ને આખાં શરીરના મસલ્સ તૂટતા હોય. પણ ભાઇને બોડી બનાવવુ એટલે બનાવવુ. ચોથા દિવસે ફરી  હાજર થઇ જાય. સિન્સીયારિટી તો આખાં જગતમાં એકમાત્ર એની પાસે જ હોય છે. જીમ ટ્રેઇનરે આવીને હજી જીમ ખોલ્યું ન હોય ત્યાં તો પોતાની હાજરી નોંધાવી દીધી હોય. બેએક દિવસ જીમ ટ્રેઇનર કરતાં વહેલાં આવી જાય તો ઓફર પણ મૂકી દે કે તમને જો વાંધો ન હોય ચાવી મને આપી દો. કાલથી હું સવારમાં જીમ ખોલી નાખીશ. પણ ટ્રેઇનર આવો ઋતુજીવાતો પહેલાં દિવસે આવી હોય ત્યારથી જ ઓળખી ગયાં હોય કે બાળમૃત્યુ જ થવાનુ છે. બેએક વાર તો ટ્રેઇનરે પોતે આવે ત્યારે મોઢામાં માવો ખાતા જોઇ લીધાં હોય. એટલે તો હવે ભરોસો ય સાતમાં પાતાળમાં ડઇને પડ્યો હોય છે. મનોમન ટ્રેઇનર બોલી તો જતો જ હશે કે અભી મે હું ભૈયા !


રૂટીન આ જ હોય. સવારમાં ઉઠીને રસ્તામાં ઘાટી રગડા જેવી ચા રસ્તામાં પીવાની પછી હાથમાં એકદમ ચોરીને ગરમ થઇ ગયેલો માવો ખાવાનો. અને ઘરે પરત જતાં રસ્તામાં ફાફડા ખાતા જવાના. રિટર્નમાં જ્યારે ફાફડા ખાવાં રોકાય ત્યારે જેટલાં અંગોની એક્સરસાઇઝ તે દિવસે કરી હોય એ બધાં અંગો એકસાથે ગાળો ટોપરાવતા હશે. કે નાલાયક, તારે જો જીમમાંથી બહાર નીકળીને ફાફડા જ ખાવાં હોય તો જીમ જોઇન જ શા માટે કર્યુ !


જીમ જોઇન કર્યાના પાંચમાં દિવસથી જ રોજ અરીસામાં જોઇ જોઇને કાં તો સિક્સ પેક માં કેટલી લાઇનો પડી એ ચેક કરે.જીમમાં જેઓ રેગ્યુલર એક્સરસાઇઝ કરતાં હોય એ લોકો તો આવાં નવા શિયાળીયાને અરીસામાં જોતો જોઇ મજાક મજાકમાં પૂછી પણ લે કે શું ભાઇસા’બ, કેટલો ફર્ક પડ્યો ! ને એ તો સામો જવાબ પણ આપે બસ પાંચ દિવસ. પછી જૂઓ ને જ્હોન અબ્રાહમને પણ પાછળ પાડી દેવો છે.શરૂઆતમાં જીમ ટ્રેઇનરે ના પાડી હોય તેમ છતાં ચાલું એક્સરસાઇઝે જીમની બહાર જઇને માવા ખાવાની ના પાડી હોય તો જવાબ  એવો આવે કે ’એના વગર તો સાહેબ આંખ જ નહી ખૂલે!!!’ અંતે ટ્રેઇનરો પણ ’ઘોઇરૂ’ કરીને જેનુ જે થવાનુ હોય તે થાય’ એમ વિચારીને પડતુ મૂકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application