રાજકોટમાં આજે વહેલી સવારે મોટી ટાંકી ચોકમાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી એક ખાનગી સ્કૂલવાન અને સિટી બસ વચ્ચે થયેલી આ ટક્કરમાં વાન રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં વાનમાં સવાર પાંચ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આજે સવારે અંદાજે 7:41 વાગ્યે સ્કૂલવાન ઈગલ ઓફિસ તરફથી આવી મોટી ટાંકી ચોક પાસે જમણી તરફ વળાંક લઈ કોટક સ્કૂલ તરફ જઈ રહી હતી. તે જ સમયે લીમડા ચોક તરફથી આવતી સિટીબસ મોટી ટાંકી ચોક તરફ જતી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, વાનચાલકે અત્યંત ઝડપથી વળાંક લેતા બસચાલક કંઈ સમજે તે પહેલા જ વાનનો પાછળનો ભાગ બસ સાથે અથડાયો હતો અને વાન રસ્તાની વચ્ચે જ પલટી ગઈ હતી.
સીસીટીવીમાં કેદ થઈ વાનચાલકની બેદરકારી
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે અકસ્માત સમયે વાનચાલક ભારે ઉતાવળમાં હતો. રોડ ક્રોસ કરતી વખતે સ્પીડ ધીમી કરવાને બદલે પૂરપાટ ઝડપે વળાંક લેવા જતાં આ અકસ્માત ઘટ્યો હતો. સદનસીબે, સિટીબસના ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત બ્રેક મારી દેતા મોટી જાનહાનિ ટળી હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પલટી ગયેલી વાનમાંથી વિદ્યાર્થિનીઓને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાનચાલકની આ બેદરકારીએ માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.