રાજકોટ જિલ્લામાં 200 કરોડના ખર્ચે ટેકનોલોજી સેન્ટર બનાવાશે

  • November 08, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉદ્યોગોને સ્કીલ લેબર મળી રહે અને નાના-મોટા પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ સમાધાન થાય તે માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટ જિલ્લામાં ટેકનોલોજી સેન્ટર શરૂ કરવા માટેના છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા પ્રયાસોને આખરે મંજૂરી મળી છે રૂપિયા 200 કરોડના ખર્ચે ગોંડલ તાલુકાના ભુણાવા ગામ નજીક રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ માટે 20 એકર જગ્યા મફતમાં ફાળવવામાં આવી છે.


કેન્દ્ર સરકારના એમએસએમઈ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કામગીરી કરવામાં આવશે. ટેકનોલોજી સેન્ટરમાં ટેકનિકલ કોલેજ, ટ્રેનિંગ માટેની પૂરતી વ્યવસ્થા, લોખંડ અને અન્ય ચીજ વસ્તુઓના ટેસ્ટિંગ માટેની લેબોરેટરી જેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.ટેકનોલોજી સેન્ટરના આ પ્રોજેક્ટ માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપરાંત સંસદ સભ્ય રમેશભાઈ ધડુક છેલ્લા કેટલાક સમયથી ભારે જહમત ઉઠાવી રહ્યા હતા. સરકારની એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યુ ટેકનોલોજી સેન્ટર સ્ટેન્ડ એક્સટેન્શન સેન્ટર હેઠળ આ કેન્દ્રને મંજૂરી મળી છે. જમીન ફાળવણીની પ્રક્રિયા પણ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઝડપભેર પૂરી કરવામાં આવી છે. જમીનની ફાળવણી થતા હવે ટૂંક સમયમાં બાંધકામ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવશે.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર અને સરકારનો ખાસ આભાર માનતા જણાવ્યું છે કે આ ટેકનોલોજી સેન્ટરના કારણે આસપાસ વિકસી રહેલ ઔદ્યોગિક વસાહતો જેવી કે હડમતાળા, શાપર વેરાવળ, પડવલા, પીપલાણા, પીપળીયા, રીબડા, રીબ, કાંગશીયાળી, ઢોલરા, વીરવા, પારડી વિસ્તારના ઉદ્યોગોને મોટો લાભ થશે, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભુણાવા એન્જિનિયરિંગ એસોસીએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને તમામ ઔદ્યોગિક સંગઠનોમાં આનંદની લાગણી ફેલાવવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application