જામનગરમાં મિશ્ર ઋતુને કારણે તાવ-શરદી-ઉધરસના ૪પ૦ વધુ કેસો નોંધાયા

  • November 18, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી. હોસ્પિટલમાં રપ૦ અને ખાનગી હોસ્પિટલોમાં ર૦૦ કેસ નોંધાતા દર્દીઓ પરેશાન: ગળામાં દુ:ખાવો અને વાયરલ ઇન્ફેકશનના કેસો જોવા મળ્યા: સરેરાશ ૩૦ થી ૩પ લોકો દરરોજ જી.જી. હોસ્પિટલમાં દાખલ

જામનગર શહેરમાં શિયાળો બેસી ગયો છે, સવાર-સાંજ ઠંડીનો માહોલ છે, લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે, ત્યારે આ મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસના ૪પ૦ થી વધુ કેસો જોવા મળ્યા છે, તહેવારો દરમ્યાન આ આંકડો ૬૦૦ ને પાર કરી ગયો હતો, માત્ર બે દિવસમાં જી.જી. હોસ્પિટલમાં રપ૦ અને ખાનગી હોસ્પિટલોમાં ર૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
જામનગરમાં અને જિલ્લાના ગામડાઓમાં મિશ્ર ઋતુનો બેવડો માર પડ્યો છે, શરદી, ઉધરસ અને તાવ ૧૦ થી ૧ર દિવસ રહ્યા કરે છે, લોકો પરેશાન થઇ રહ્યા છે, અધુરામાં પુ‚ં પાંચ-પાંચ દિવસ સુધી તાવ ઉતરતો નથી અને લોકો વાયરલ ઇન્ફેકશનના ભોગ બની રહ્યા છે. સવાર-સાંજ ઠંડી અને બપોરે ઉનાળા જેવી ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
શહેરની સમર્પણ, ઓશવાળ, ઇન્દુ મધુ અને રંગુનવાલા ટ્રસ્ટની હોસ્પિટલોમાં પણ ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા છે, એટલું જ નહીં રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ગળામાં દુ:ખાવાના કેસો પણ વધતા જાય છે, અવાજ બેસી જવો, સતત માથું દુ:ખવું જેવા કેસો પણ જી.જી. હોસ્પિટલમાં આવતા હોવાની ફરિયાદો જોવા મળી છે.
જામનગર શહેરમાં જ નહીં જિલ્લાના ગામડાઓ કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર વિસ્તારમાં પણ રોગચાળો વઘ્યો છે, એવી જ રીતે ભાણવડ, ખંભાળીયા, દ્વારકા અને કલ્યાણપુર વિસ્તારમાં પણ તાવ, શરદી, ઉધરસ વધી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જી.જી. હોસ્પિટલમાં દરરોજ રપ૦ થી વધુ કેસો આવતા હોય, જેમાં ભારે ઇન્ફેકશન અને સખ્ત તાવવાળા દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે, જેની સંખ્યા એવરેજ ૩૦ થી ૩પ હોવાનું ખુલ્યું છે, મેડીકલ સ્ટોરોમાં પણ દવા લેવા લોકોની ઘરાકી વધી ગઇ છે.
તહેવારો દરમ્યાન જી.જી. હોસ્પિટલ અને મોટાભાગના ખાનગી હોસ્પિટલના ડોકટરો રજા ઉપર ઉતરી ગયા છે, જો કે હજુ અડધા ડોકટરો આવ્યા નથી, સોમવારથી બાકી રહેલા ડોકટરો આવે તેવી શક્યતા છે. ત્યારે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, દર વખતે તહેવાર દરમ્યાન સારા ડોકટરોની અછત જોવા મળે છે, ખાનગી હોસ્પિટલમાં પણ મોટાભાગની હોસ્પિટલ આજથી શરુ થાય છે, ત્યારે મિશ્ર ઋતુના કારણે જનજીવન પર ભારે અસર થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application