દક્ષિણ ભારત અને શ્રીલંકાના દરિયાકાંઠે જોવા મળતી વનસ્પતિ ગુજરાતના દરિયાકાંઠે મળી આવી

  • September 11, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દક્ષિણ ભારત અને શ્રીલંકાના દરિયાકાંઠે જોવા મળતી વનસ્પતિ ગુજરાતના દરિયાકાંઠે મળી આવી છે. પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજના પીએચ.ડી.ના વિદ્યાર્થીએ તેની શોધ દરમિયાન ઓળખ કરી છે.
ગુજરાતનો સમુદ્રકાંઠો માત્ર તેના ભૌગોલિક વિશેષતાઓ માટે જ નહી, પણ તેની સમૃધ્ધ વનસ્પતિ વૈવિધ્યતા  માટે પણ પ્રસિધ્ધ છે. રાજ્યના આ  કાંઠાવર્તી ક્ષેત્રમાં મેંગ્રોવ અને અન્ય વિવિધ પ્રકારની વિશિષ્ટ દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે, જે દેશના કાંઠાવર્તી પરિસ્થિતિતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તાજેતરમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ શોધમાં, પોરબંદરના એમ.ડી.સાયન્સ કોલેજની સંશોધક ટીમે ગુજરાતમાં સ્કેવોલા પ્લુમીરી નામની વનસ્પતિની પ્રથમવાર નોંધ કરવામાં આવી છે.
પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા કુણાલ ઓડેદરાના ક્ષેત્રીય સંશોધન દરમિયાન તેમને એક ભદ્રાક્ષ નામની વનસ્પતિને મળતી આવતી એક નવી વનસ્પતિ મળી આવી હતી જેની ઓળખ પાછળથી ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજા નેતૃત્વમાં કુણાલ ઓડેદરા અને સરમણ રાતીયાએ સ્કેવોલા પ્લુમીરી નામની વનસ્પતિ તરીકે કરી હતી. જે આ પહેલા ગુજરાતમાંથી નોંધવામાં આવી ન હતી. આ ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી બીચ નજીકના કાંઠાના રેતીલા ધૂળકાઓમાં આ છોડને ઓળખ્યો હતો. તેમની અભ્યાસવિધિ વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થઇ છે. આ સંશોધન એક વ્યાપક વર્ગીકરણ, વર્ણન, વિગતવાર ફોટોગ્રાફસ અને છોડની ફીનોલોજી અને રહેઠાણ અંગે નોંધો પૂરી પાડે છે. જેના દ્વારા ભવિષ્યમાં આ છોડને ઓળખવા માટે મદદ મળી રહેશે. ઇન્કબેરી તરીકેક ઓળખાતો ગુડેનીએસી કુળનો આ છોડ તેની અનોખી પાંખડીની રચના માટે ઓળખાય છે. જેમાં ફૂલની માત્ર અડધી પાંખડી દેખાય છે. એનું ફળ નાના  અને ગોળ અને રંગમાં લાલ અથવા જાંબુડા  રંગનું હોય છે. આ છોડનું બીજ દરિયામાં તણાઇને લાંબા સમય સુધી જીવંત રહી શકે છે, જેનાથી તે દરિયાકિનારાના વિવિધ વિસ્તારોમાં ફેલાઇ શકે છે. સંશોધન ટીમના જણાવ્યા અનુસાર આ છોડના બીજ દરિયાની લહેરો દ્વારા ગુજરાતના દરિયાકાંઠે આવ્યુ હશે જે દક્ષિણ ભારત અને શ્રીલંકાના દરિયાકાંઠે કુદરતી રીતે જોવા મળે છે.
કુણાલ ઓડેદરાએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે આ વનસ્પતિ દક્ષિણ આફ્રિકાના પૂર્વીય સમુદ્રતટ પર રેતીના ટેકરાઓનું મુખ્ય પ્રાથમિક વસાહતકાર છે અને રેતીના અતિક્રમણને રોકવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ લક્ષણનો ઉપયોગ આપણા પ્રદેશમાં ખારી દરિયાઇ રેતીના ફેલાવાને ઘટાડવા માટે થઇ શકે છે. વધુમાં તે સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક છોડ છે જે દરિયાકાંઠાની હોટેલો અને રિસોર્ટસમાં સુશોભન તરીકે પણ ઉગાડી શકાય છે, જયાં ખારી  રેતીને કારણે અન્ય છોડ ઉગાડવો પડકાર‚પ બની શકે છે પરંતુ આ લાક્ષણિકતાઓને વાસ્તવિકતામાં લાવવા  હજુ આગળ સંશોધનની જ‚રિયાત છે જે નજીકના સમયમાં વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. આ નવો રેકોર્ડ ગુજરાતના બોટનીકલ સંશોધન માટે એક સિધ્ધિ દર્શાવે છે. જે ભારતના કાઠાવર્તી વનસ્પતિ અંગેની સમજણને વધુ મજબૂત બનાવે છે અને તે આ મહત્વપૂર્ણ કાંઠાવર્તી છોડની ભારતમા જાણીતી ભુગોળીય હદને વિસ્તૃત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application