જામનગરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલનો કાયમી માસ્ટર પ્લાન જરુરી

  • July 12, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિ-મોનસુન અને સોલીડ વેસ્ટની કામગીરીમાં દાંડાઇ કરનાર અધિકારીઓ સામે હવે પગલા લેવાનો સમય: સ્લમ, એકાઉન્ટ અને અન્ય વિભાગોમાં લાલીયાવાડી ચલાવતા અધિકારી-કર્મચારી સામે મ્યુ.કમિશ્નર દંડો ઉગામશે ? લોકો અને અધિકારીઓ આમને સામને આવે તે યોગ્ય નથી

જામનગર શહેરમાં મેઘરાજાએ ૧૫ દિવસ મોડો પરંતુ એક જ અઠવાડીયામાં અનરાધાર વરસાદ વરસાવીને ખેતરો છલોછલ ભરી દીધા છે, એક તબકકે તો જામનગરમાં એક જ દિવસમાં ૧૩ ઇંચ અને બીજી વખત ચાર-ચાર ઇંચ વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં, નદીના વહેણમાં બનેલા આ મકાનોમાં પાણી ઘુસી જતાં કુદરત સામે કોર્પોરેશન ટુંકુ પડયું તે વાત તો સાચી પરંતુ પ્રિ-મોનસુન કામગીરીમાં દાંડાઇ કરનાર કેટલાક અધિકારી-કર્મચારીઓ તેમજ સોલીડ વેસ્ટ, એકાઉન્ટ અને વર્ષોથી પોતાની રીતે મનફાવે તે રીતે કામગીરી કરનારા અધિકારી-કર્મચારી સામે હવે મ્યુ.કમિશ્નરે લાલ આંખ કરીને દંડો ઉગામવાની જરુર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં અને કુદરત સામે કોર્પોરેશન નાનુ પુરવાર થયું છે તે હકીકત છે પરંતુ હવે જેમ બને તેમ વધુ લોકોને અગવડતા ન પડે તે રીતે કામગીરી થવી જોઇએ, કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ ૧૫ થી ૨૦ કલાક કામ કરતા જોવા મળ્યા છે, ત્યારે હવે કોઇપણ બનાવમાં અધિકારીઓ અને લોકો આમને સામને ન આવે તે પણ બંને પક્ષે ઘ્યાન રાખવું પડશે અને લોકોએ પણ સ્વંયથી વર્તવું પડશે.
જામનગરમાં અલગ-અલગ ઝોનમાં પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવી, લગભગ એકાદ કરોડનો ખર્ચ આ કામગીરીમાં થશે પરંતુ જોઇએ તેવું વળતર લોકોને મળ્યું નથી, પ્રિ-મોનસુનની કામગીરી સારી રીતે થાય તે માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને ભાવેશ જાનીએ સારી કામગીરી થાય તે માટે જહેમત ઉઠાવી હતી પરંતુ કેટલાક અધિકારી-કર્મચારીને કારણે કયાંક-કયાંક આ કામગીરી નબળી પુરવાર થઇ છે તેમ લોકો કહે છે.
ગુલાબનગર, નારાયણનગર, મોહનનગર, નવાગામ ઘેડ, લક્ષ્મીનગર અને કાલાવડ નાકા બહાર કેટલાક વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, કેટલાક મકાનો તો એવા છે કે નદીના વહેણમાં બાંધવામાં આવ્યા છે અને આ મકાનો જયારે બંધાયા ત્યારે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું ત્યારે અધિકારીઓ શા માટે બોલ્યા નહીં ? તાત્કાલીક લોકોને ઘરવખરી લઇને જવાનું કહેવામાં આવે તો લોકો કયાં જાય ? આ પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષો સુધી લોકોને સહન કરવાની ? હવે તો આ અંગેનો કાયમી ઉકેલ લાવવાની જરુર છે.
નારાયણનગર, મોહનનગરના પ્રશ્ર્ને એક મેરેથોન મીટીંગ સતત બે કલાક સુધી ચાલી, જેમના ઘર અને શેરીમાં પાણી ભરાયા હતાં તેવા ૧૦૦થી વધુ લોકોએ કોર્પોરૈશનમાં અડીંગો જમાવીને પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી, આખરે આ પ્રશ્ર્ન હાલ તો ઉકેલાઇ ગયો છે, પરંતુ પાણી ભરાવાના પ્રશ્ર્ને રાજકીય લાભ ખાટવાના મનસુબા ધરાવનારને પણ ખુલ્લા પાડવા જોઇએ. બીજી એક અધિકારી સાથે લોકોએ માથાકુટ કર્યા બાદ મારામારી કરી હોવાનું પણ બહાર આવ્યું છે, બંને પક્ષે સામસામે ફરિયાદો પણ થઇ છે પરંતુ આ રીતે મારામારી કરવી અને અધિકારીઓને કામ ન કરવા દેવું તે પણ યોગ્ય નથી, જિલ્લા પોલીસ વડાએ આવા અધિકારીઓને રક્ષણ આપવું જોઇએ અને લોકોએ પણ સ્વયંપૂર્વક વર્તવું જોઇએ તેમ લોકો કહી રહ્યા છે.
કોર્પોરેશનમાં અનેક ખાતામાં લાલીયાવાડી ચાલે છે, સોલીડ વેસ્ટ શાખાના અમુક અધિકારીઓ કોઇનું ગણકારતા નથી તેવી છાપ ઉભી થઇ છે, કેટલાક વિસ્તારોમાં કચરાના ઢગ પડયા રહે છે તે ઉપડાવવા તેમની પાસે સમય નથી, જો કે આવા ચાર-પાંચ અધિકારીઓથી મ્યુ.કમિશ્નર પણ હવે થાકી ગયા હોય તેમ લાગે છે, બે કર્મચારીને નોટીસ ફટકારી ચૂકયા છે અને હજુ કદાચ બે-ત્રણ કર્મચારીઓને નોટીસ ફટકારીને તેનો ખુલાસો પુછવામાં આવે તેવી શકયતા છે ત્યારે આવા થોડાક અધિકારીઓ-કર્મચારીઓ કોર્પોરેશનની છાપ બગાડતા હોવાની વાત બહાર આવી છે.
નારાયણનગર, મોહનનગર, નવાગામ ઘેડ, કાલાવડ નાકા બહાર સહિતના કેટલાક વિસ્તારોમાં અવારનવાર પાણી ભરાય છે, નદીના વહેણમાં થયેલા બાંધકામો પણ કોઇની શેહ-શરમ રાખ્યા વિના તોડી નાખવા જોઇએ જેથી અન્ય મકાનોમાં પાણી ન ભરાય, જો કે હવે થોડા વરસાદમાં જામનગરમાં પાણી ભરાવાની અવારનવાર સમસ્યા થાય છે તેની સામે યોગ્ય માસ્ટર પ્લાન કરવાની જરુર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application