જામનગર જીલ્લાના પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

  • January 29, 2025 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.

આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી સબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 


જાહેરનામાં મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-૭ માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે. 




જામનગર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની  મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદ્દાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામા આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં ફરજ બજાવતા હોવાનું સંબધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટાગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. 


મોટા ઔધોગીક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક / જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, વીજ કંપનીઓના ઉત્પાદન, પ્રવહન અને તપાસ એકમો દ્વારા કામે રખાયેલ સિક્યુરીટી સ્ટાફના પરવાનાવાળા હથિયારોને કંપનીના અધિકારીનું તે મતલબનું પ્રમાણપત્ર લાયસન્સ ધારકના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે, તેવી શરતે હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોઇ તેઓને લાગુ પડશે નહી.




ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી  દિવસ- ૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જએ પૂર્ણ કરવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application