BREAKING NEWS

હલવાઈની એક 'ભૂલ' અને બની ગઈ ભારતની પહેલી બેક્ડ મીઠાઈ; આજે ભગવાન જગન્નાથને પણ ધરાવાય છે આ જ મહાભોગ!

  • June 04, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઘણીવાર દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુઓની શોધ કોઈ પ્લાનિંગથી નહીં પરંતુ આકસ્મિક ભૂલ અથવા ઇત્તેફાકથી થતી હોય છે. ભારતની એક અત્યંત લોકપ્રિય મીઠાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. આ મીઠાઈ એટલે ઓડિશાની શાન ગણાતી 'છેના પોડા', જેને ભારતની પ્રથમ બેક્ડ મીઠાઈ અથવા 'દેશી ચીઝકેક' તરીકે ઓળખવામાં આવે છે.


એક હલવાઈની નાની ભૂલમાંથી જન્મેલી આ સ્વાદિષ્ટ મીઠાઈની રસપ્રદ કહાની 
કેવી રીતે થયો આ અનોખો ચમત્કાર?
આ વાર્તા ૨૦મી સદીના મધ્ય ભાગમાં ઓડિશાના નયાગઢથી શરૂ થાય છે. ત્યાં સુદર્શન સાહૂ નામના એક હલવાઈની દુકાન હતી. એક રાત્રે તેમની દુકાનમાં ઘણો બધો તાજો છેના (પનીર જેવો દૂધનો માવો) બચી ગયો. તે જમાનામાં ફ્રિજ ન હોવાથી, માવો બગડી ન જાય તે માટે તેમણે એક દેશી જુગાડ કર્યો.તેમણે એ બચેલા છેનામાં ખાંડ, ઈલાયચી અને કાજુ મિક્સ કર્યા અને તે વાસણને કોલસાની ઓલવાઈ રહેલી ગરમ ભઠ્ઠી પર મૂકી દીધો. સુદર્શનજીએ વિચાર્યું હતું કે હળવી ગરમીના કારણે માવો રાતભર સારો રહેશે. પરંતુ આગલી સવારે જ્યારે વાસણ બહાર કાઢ્યું ત્યારે આખો નજારો બદલાઈ ગયો હતો. રાતભરની ધીમી આંચે ખાંડને 'કેરામેલાઈઝ્ડ' કરી દીધી હતી, જેનાથી છેનાની બહારની સપાટી સોનેરી, કથ્થઈ અને ક્રિસ્પી થઈ ગઈ હતી. જ્યારે તેમણે તેને કાપીને ચાખ્યો, ત્યારે તેનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે તેઓ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા.
પુરીના નાથ જગન્નાથનો પ્રિય ભોગ

જોતજોતામાં આ મીઠાઈ આખા ઓડિશામાં પ્રખ્યાત થઈ ગઈ અને આજે તે ત્યાંની સંસ્કૃતિનો અવિભાજ્ય અંગ છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ એટલી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે કે પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથને પણ મહાપ્રસાદ તરીકે 'છેના પોડા'નો ખાસ ભોગ ચડાવવામાં આવે છે.
'છેના પોડા' બનાવવાની પરંપરાગત રીત
જૂના જમાનામાં આ મીઠાઈને લાકડાના ચૂલા પર 'સાલના પાન' (Tree Leaves) નો ઉપયોગ કરીને પકવવામાં આવતી હતી.
 જરૂરી સામગ્રી
તાજો છેના:- ૨ લીટર ફૂલ ક્રીમ દૂધમાંથી બનાવેલો (બિલકુલ પાણી વગરનો),ખાંડ અથવા ગોળ,અડધો કપસોજી, ૨ ચમચી (બાઈન્ડિંગ માટે)દેશી ઘી, ૧-૨ ચમચીમસાલા અને ડ્રાયફ્રૂટ્સ, ૧ ચમચી ઈલાયચી પાવડર, કાજુ અને કિસમિસસાલના પાન કે બટર પેપર, વાસણમાં પાથરવા માટે
બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ
૧. મિક્સિંગ:- એક મોટા વાસણમાં તાજો છેના લો. તેમાં ખાંડ, સોજી અને ઈલાયચી પાવડર ઉમેરો. હવે હાથથી તેને ત્યાં સુધી મસળો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. મિશ્રણને લોટની જેમ ગૂંધવાનું નથી, તેને હળવું દાણાદાર રાખવાનું છે. છેલ્લે કાજુ-કિસમિસ ઉમેરો.
૨. પાત્ર તૈયાર કરવું:- એક ઊંડા એલ્યુમિનિયમ કે બ્રાસના વાસણમાં અંદરની તરફ ઘી લગાવો અને તેમાં સાલના પાન (અથવા બટર પેપર) પાથરી દો અને તેના પર પણ સહેજ ઘી લગાવો. હવે તૈયાર છેનાનું મિશ્રણ તેમાં સરખી રીતે પાથરી દો.
૩. બેકિંગ (દેશી ઓવન):- વાસણને બરાબર ઢાંકી દો. પરંપરાગત રીતે તેને સળગતા કોલસાની વચ્ચે મૂકીને ધીમી આંચે પકવવામાં આવે છે. જ્યારે પાનની સળગવાની સુંધી સુગંધ આવવા લાગે અને ઉપરની સપાટી ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યારે ઉતારી લો.
૪. આધુનિક ઓવન રીત
 જો તમારી પાસે ચૂલો ન હોય તો સામાન્ય કેક ટીનમાં બટર પેપર લગાવી, ઓવનમાં 180°C પર આશરે 40 થી 45 મિનિટ સુધી બેક કરી શકો છો.ત્યારબાદ તેને બરાબર ઠંડુ થવા દો અને પછી બહાર કાઢી ગોળ સ્લાઈસમાં કટ કરો. બહારથી હળવું ક્રિસ્પી અને અંદરથી રૂ જેવું સોફ્ટ 'છેના પોડા' મોંમાં મૂકતા જ ઓગળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application