રાજકોટના લોધીડા નજીક બંબાટ ઝડપે જઈ રહેલી કારે બાઇકને ઠોકરે લેતા આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને કારને રોકી ચાલકને પકડી પાડી પાછળ આવતી પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જનાર કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ કારનો પીછો ગઢડીયાથી પોલીસ કરતી હતી. પોલીસથી ભાગવા ચાલકે કાર હંકારી મુકતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ લોધીડા ગમે રહેતા દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49)ના આધેડ આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પોતાની મોટરસાઇકલ લઈને ઘરેથી વાડીએ જતા હતા ત્યારે સરધાર રોડ પર પહોંચતા જીજે-03-એલબી-0917 નંબરની પુરપાટ ઝડપે આવતી અલ્ટો કારે પાછળથી બાઇકને જોરદાર ઠોકર મારતા બાઈક ચાલક આધેડ રોડ પર દૂર સુધી પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઈ ખેતીકામ કરતા હતા અને ચાર ભાઈ એક બહેનમાં ત્રીજા નંબરે હતા. સંતાનમાં બે દીકરા છે. આજે સવારે ઘરેથી વાડીએ જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલકને ગ્રામજનોએ પકડી પાડી પાછળ આવતી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા ચાલકની અટકાયત કરી અકસ્માત અને પ્રોહિબિશનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.