ધ્રોલના જાળીયા માનસરમાં રેતી ચોરીનું મસમોટું કૌભાંડ

  • June 03, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે રેતીનું ખનન કરતા ચાર શખ્સોની અટકાયત: જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત ૨૩ લાખના ચાર વાહનો કબજે લેતી પોલીસ

ધ્રોલ તાલુકાના જાળિયા માનસર ગામની ઉંડ નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડયો હતો, અને ગેરકાયદે રેતી ચોરીનું મસ મોટું કૌભાંડ પકડી પાડ્યું છે, અને ચાર શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ડમ્પર -જેસીબી- ટ્રેક્ટર સહિતના ચાર વાહનો કબજે કર્યા છે, અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદે રેતી ખનન અટકાવવા સુચના આપી હતી જે અનુસંધાને ધ્રોલના પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફના માણસોએ આ દીશામાં ચક્રો ગતીમાન કર્યા હતા.
દરમ્યાનમાં ધ્રોલ તાલુકાના જાળીયા માનસર ગામમાં આવેલી ઊંડ નદીના પટમાંથી ગેરકાયદે રીતે મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાલ પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જે દરોડા સમયે ચાર શખ્સો જેસીબી ની મદદથી ગેરકાયદે રીતે રેતીને ખનન કરીને ટ્રેક્ટર-ડમ્પર વગેરેમાં ઠાલવવામાં આવી રહ્યું હતું,
 જેથી ધ્રોલ પોલીસ દ્વારા ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા ધ્રાંગડા ગામના મોહસીન  રહેમાનભાઈ સપીયા અને શાહરુખ રહેમાન ભાઈ સફિયા, જામનગરના બેડેશ્વરના તોફિક રજાકભાઈ ધ્રોલીયા અને સુમરી ગામના રાયધનભાઈ કાથળભાઈ છૈયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી એક એલ એન્ડ ટી કંપનીનું જેસીબી મશીન, બે ડમ્પર અને એક ટ્રેક્ટર સહિત કુલ ૨૩ લાખના વાહનો કબજે કરી લેવામાં આવ્યા છે.
 આ ઉપરાંત જામનગરની ખાણ ખનીજ શાખા ને જાણ કરાવી તેઓએ ઉન્ડ નદીમાંથી કેટલી રેતી ચોરી કરવી છે, તે અંગેનો સર્વે કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ધ્રોલના પીએસઆઇ પનારા, સ્ટાફના કે.ડી. કામરીયા, વનરાજભાઇ ગઢાધરા, સંજય સોલંકી, જયેશ પઢેરીયા, મયુરસિંહ પરમાર, મહાવીરસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી. રેતી ચોરીનું કારસ્તાન બહાર આવતા ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, ઉલ્લેખનીય છે કે અગાઉ જોડીયા પંથકમાં ગેરકાયદે રેતી ખનન પોલીસે પકડયુ હતું. ત્યાં વધુ એક દરોડાથી ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application