ખંભાળિયાના એક શખ્સે પોતાના સાગા ભાઈ સાથે રૂ. 85 લાખની છેતરપિંડી આચરી

  • August 07, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોટું વારસાઈ નામું તૈયાર કરાવી ભાઈ છેતરપિંડી કરી


ખંભાળિયામાં રહેતા એક શખ્સ દ્વારા ડી.પી. રોડની કપાતના મળવાપાત્ર પૈસા માટે ખોટું વારસાઈ પેઢીનામું તૈયાર કરાવી અને જમીન સંપાદનના નાણા પોતાના ખાતામાં જમા લઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં એલ.આઈ.સી. ઓફિસની પાછળના ભાગે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા ઈબ્રાહીમ આમદભાઈ ઘાવડા નામના 60 વર્ષના વૃદ્ધ દ્વારા અત્રે એસ.ટી. ડેપો રોડ પર જી.વી.જે. સ્કૂલની સામે રહેતા તેના ભાઈ ઈકબાલ આમદ ઘાવડા (ઉ.વ. 52) સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે કે આરોપી ઈકબાલે પિતા આમદભાઈ તથા તેમના માલિકીની અહીંના હર્ષદપુર વિસ્તારમાં આવેલી સર્વે નંબર 69 પૈકીની બિનખેતી વાળી જગ્યા કે જે ડી.પી. રોડની કપાતમાં ગઈ હતી. આ કપાત જમીનના જમીન સંપાદન ખાતે આરોપી ઈકબાલે તેના જૂના માતાના વારસદારોની વારસાઈ છુપાવીને છેતરપિંડી કરવાના ઈરાદાથી ખોટું વારસાઈ પેઢીનામું તૈયાર કરી, જમીન સંપાદનમાં ખરા તરીકે રજૂ કરીને જમીન સંપાદનના રૂપિયા 85 લાખની રકમ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી.


વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીના પિતા આમદ હુસેન ઘાવડાએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન હાજરાબેન સાથે થયા હતા. તેમને ત્રણ દીકરા તેમજ ત્રણ દીકરી છે. જ્યારે આમદભાઈના બીજા પત્ની અમીનાબેનને સંતાનમાં ચાર દીકરા તેમજ છ દીકરી મળી કુલ 10 સંતાનો છે. આમદભાઈ ઘાવડા તારીખ 28-01-2022 ના રોજ અવસાન પામ્યા છે. આરોપી ઈકબાલે તેની જૂની માતાના તમામ સંતાનોના નામો છુપાવીને પોતાની સગી માતા અમીનાબેનના સંતાનોના નામ પેઢીનામામાં લખ્યા હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.


આમ, ખોટા વારસાઈ પેઢીનામાં મારફતે રૂપિયા 85 લાખ જેટલી તોતિંગ રકમ પોતાના ખાતામાં મેળવી લઈને ઠગાઈ અને વિશ્વાસઘાત કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં અહીંના પી.એસ.આઈ. આર.જી. વસાવાએ જરૂરી કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application