જામનગર નજીકના દરિયામાં વિશાળ માછલી માણસને ખાઈ ગઈ..?

  • July 08, 2021 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરમતની ખાડીમાં વિશાળ ‘મગરો’ જાતિની માછલી દેખાઈ હોવાનું કહે છે ગામલોકો: ‘આજકાલ’ની ટીમે પહોંચીને મેળવેલી ચોંકાવનારી વિગતો: 19 જુનની રાત્રે માછીમારી કરવા ગયેલ યુવાન 20 દિવસ બાદ પણ મળ્યો નથી: ‘મગરો’ જાતિની માછલીઓ ફરતી હોવાના કારણે રસુલનગરમાં ભયનો માહોલ: કોઈ માછીમારો હોડી લઈને જતાં નથી: આ કઈ માછલી હતી...? તપાસનો વિષય

 

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠામાં અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિ હોવાના કારણે મરીન નૈશનલ પાર્ક જાહેર કરાયેલ છે, જો કે અહીંના દરિયામાં અત્યાર સુધીના ઈતિહાસમાં લોકોના શિકાર કરતાં દરિયાઈ જીવ જોવા મળ્યાં નથી ત્યારે સરમતની ખાડીની નજીક આવેલા રસુલનગર વિસ્તારના એક માછીમારને વિશાળ ‘મગરો’ જાતિની સાર્ક માછલી ગળી ગઈ હોવાનો દાવો મૃતક યુવાનના પરિવારજનો અને ગામલોકો દ્વારા કરવામાં આવ્યો હોવાથી આ ઘટના અતિ ગંભીર હોવાનું દેખાઈ રહ્યું છે અને અન્ય વિભાગો પણ આ બાબતની ખરાઈ કરવા ઊંડા ઊતરે તે જરી દેખાય છે. સરમતની ખાડીમાં સાર્ક પ્રકારની આવી કોઈ શિકારી માછલીઓ ઘૂસી આવી છે કે કેમ? એ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ, હાલ તો ગામલોકોએ દાવો કર્યો છે અને તેમાં પણ ખાસ કરીને 20 દિવસથી લાશ મળી નહીં હોવાના કારણે ત્યાંના માછીમારો એવું કહે છે કે, યુવકને ‘મગરો’ જાતિની સાર્ક માછલી ગળી ગઈ છે!જામનગરથી 22 કિલોમીટર દૂર સરમતની ખાડી નજીક રસુલનગર ગામમાં હોડી લઈને માછીમારી કરતાં અને પરિવારનું ગુજરાન ચલાવતાં આમદભાઈ ઓસમાણભાઈ સુંભણિયા (ઉ.વ.47)ને સરમતની દરિયાઈ ખાડીમાં વિશાળકાય માછલી ગળી ગઈ હોવાની વ્યાપક ચચર્િ ચાલી રહી છે અને ઘટનામાં સત્ય શું છે? એ જાણવા માટે ‘આજકાલ’ દ્વારા આજે ટીમ મોકલવામાં આવી હતી અને જે વિગતો અમારી ટીમને મળી છે તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે;જાણવા મળ્યું છે કે, 5.8 ઈંચની ઊંચાઈ અને સિંગલ બાંધો ધરાવતો ઉપરોકત યુવક તા.19ની રાત્રે પોતાની હોડી મારફતે માછીમારી કરવા સરમતની દરિયાઈ ખાડીમાં ગયો હતો, પરંતુ ભેદી સંજોગોમાં આ યુવાન લાપત્તા બની ગયો હતો, હોડી અને માછલી પકડવાની ઝાળ મળી આવે છે, પરંતુ આ યુવકના કોઈ અવશેષ ગામલોકોને મળ્યાં નથી કે આસપાસના દરિયાકાંઠા પરથી પણ કોઈ લાશ મળી નથી.19 જૂનની રાત્રે બનેલા આ બનાવ અંગે મરનાર યુવકના પરિવારજનોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાપત્તા બનેલા આમદભાઈ માછીમારી કરવા માટે એકલાં ગયાં હતાં અને પછી એમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.રસુલનગરના માછીમારો દ્વારા એવો દાવો કરાયો હતો કે, જ્યારે પણ કોઈ માછીમાર અકસ્માતે દરિયામાં ડૂબી જાય તો ત્રણ કે ચાર દિવસ બાદ લાશ મળી જતી હોય છે, પરંતુ આ ઘટનામાં આવું થયું નથી અને તેના માટે ગ્રામજનો એવું કહી રહ્યાં છે કે, સરમતની ખાડીમાં દેખાતી ‘મગરો’ જાતિની સાર્ક માછલી ઉપરોકત યુવાનને ગળી ગઈ હોય એવી શંકા છે.માછીમારોએ કહ્યું હતું કે, આઠથી દસ ફૂટની લંબાઈ અને વિશાળ કાયા ધરાવતી ‘મગરો’ મચ્છીમાં ચાર જાતિ આવે છે તેમાંની ‘મગરો’ની જે સાર્ક જાતિ હોય છે તે અત્યંત ઘાતક હોય છે અને તે પોતાના શિકારને છોડતી નથી. ગામલોકોને એવી શંકા છે કે, આ યુવકને ‘મગરો’ની સાર્ક જાતિએ મારી નાખ્યો છે.લાપત્તા બન્યાં બાદ રસુલનગરના માછીમારો અને તરવૈયાઓએ દિવસો સુધી તપાસ કરી હતી, લાપત્તા બનેલ અથવા માછલીનો શિકાર બનેલ માછીમાર રસુલનગરના મોટીપીર દરગાહ પાસે રહે છે, ત્રણ દીકરી અને ત્રણ દીકરા તથા પત્ની સહિતના પરિવારનું ગુજરાન તે માછીમારી પર ચલાવતો હતો, પરંતુ આ ઘટના બન્યાં બાદ પરિવારની સાથે-સાથે ગ્રામજનો પણ સ્તબ્ધ બની ગયાં છે.રસુલનગરમાં હાલમાં ખૌફનો માહોલ છે અને અન્ય કોઈ માછીમારો સરમતની ખાડીમાં માછીમારી કરવા જઈ રહ્યાં નથી. કારણ કે, એમને ‘મગરો’ની સાર્ક જાતિની માછલીનો ભય સતાવી રહ્યો છે.ગામલોકોની જે ચચર્િ છે તેને માનીએ તો જામનગર નજીકના દરિયાકાંઠામાં માણસને ગળી જતી ‘મગરો’ જાતિની ઘાતક માછલીઓ ઘૂસી આવી હોવાનું અનુમાન નીકળે છે અને આ બાબતમાં કેટલી સચ્ચાઈ છે? એ માટે લગત તમામ સરકારી તંત્રએ તાકિદે તપાસ કરવી જોઈએ. કારણ કે, જામનગર જિલ્લાના દરિયાકાંઠાને કમસેકમ ઘાતક દરિયાઈ જીવોના અનુસંધાને સુરક્ષિત માનવામાં આવે છે.શું ખરેખર લોકો દાવો કરે છે એમ ‘મગરો’ જાતિની સાર્ક માછલીઓ સરમતની ખાડી સુધી આવી છે કે કેમ? અને જો આવી હોય તો આ બાબતને ગંભીરતાથી લેવી પડશે અને સચ્ચાઈ સુધી પહોંચવું પડશે. કારણ કે, અત્યારે તો ગામલોકોએ આવી માછલીઓ જોઈ હોવાનો દાવો કર્યો છે. સરકારી તંત્ર, ફિશરીઝ વિભાગ, મરીન નૈશન પાર્ક વગેરે સહિતના વિભાગો તપાસ કરીને સત્યને શોધે અને ગામલોકોનો આ દાવો સાચો છે કે ખોટો? તેની ખરાઈ કરે તે અત્યંત જરી છે.


 

અમને શંકા છે કે માછલી ખાઈ ગઈ-ઉપસરપંચ


ઉપરોકત રહસ્યમયી ઘટના અંગે રસુલનગર ગામના ઉપસરપંચ અબ્બાસભાઈ જુસબભાઈ સુંભણિયાએ ‘આજકાલ’ની ટીમ સાથે વાત કરીને એમ કહ્યું હતું કે, અમે 20 દિવસ સુધી લાપત્તા માછીમારની તપાસ કરી, પણ કોઈ સગડ મળ્યાં નથી. અમને બધાંને એવી શંકા છે કે, માછીમારને વિશાળકાય માછલી ગળી ગઈ છે.

ચાર વિશાળ ‘મગરો’ મચ્છી સરમતની ખાડીમાં


જામનગરના દરિયાકાંઠે કોઈ માણસને માછલી ગળી ગઈ હોવાની ઘટના લગભગ આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય બની નથી ત્યારે રસુલનગરના ગામલોકોએ માછીમારને વિશાળ માછલી ગળી ગઈ હોવાની જે વાત કરી છે તે અતિ ગંભીર છે, આ બાબતે જામનગર ખાતે મચ્છીનો વ્યવસાય કરતાં ‘કિસ્મત ફીશ’વાળા જાબિરભાઈએ ‘આજકાલ’ને જણાવ્યું હતું કે, રસુલનગરના લોકોના કહેવા મુજબ સરમતની ખાડીમાં ચાર વિશાળ ‘મગરો’ જાતિની માછલીઓ ફરી રહી છે, જેને ગામલોકો ‘સાર્ક’ માછલી પણ કહે છે.
 

સત્ય શોધવું જરુરી


સરમતના રસુલનગરની માછીમાર લાપત્તા થયાની ઘટના અને તેને વિશાળ માછલી ગળી ગઈ હોવાના ગામલોકોના દાવાની આ વાત અત્યંંત ગંભીર છે અને તમામ સંબંધિત વિભાગોએ તાકિદે સરમતની ખાડીમાં તપાસ કરીને સત્ય સામે લાવવું જોઈએ.
 

સિક્કા પોલીસને બનાવની મૌખિક જાણ કરાઈ હતી


સરમતની ખાડી નજીક આવેલા રસુલનગર ગામની ઘટના સંબંધે પહોંચેલી ‘આજકાલ’ની ટીમને પરિવારજનો અને ગામજનોએ એમ કહ્યું હતું કે, ભેદી રીતે લાપત્તા બનેલાં માછીમાર સંબંધે તા.20ના રોજ સિક્કા પોલીસને જાણ કરાઈ હતી. જો કે, સિક્કા પોલીસ સાથે આજે ‘આજકાલ’ દ્વારા વાતચીત કરવામાં આવતાં પીએસઆઈ પરમારે કહ્યું હતું કે, આવી કોઈ ઘટના બની હોવાની જાણ અમને કરવામાં આવી નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application