જામનગર શહેર સુધી ઘુસી આવ્યો દિપડો...?: જંગલ ખાતાનો ઇન્કાર

  • March 07, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠેકા ચોકડી પાસે રાધીકા સ્કુલની સામેની વસાહત તરફ દીપડો દેખાયાની ફરિયાદ બાદ દોડી જંગલ ખાતાની ટીમ: હાપા માર્કેટ યાર્ડની દિવાલ પર દીપડો દેખાયાની અફવા ચાલી: યાર્ડની પાસે ફુટ પ્રિન્ટ જોવા મળતા ફોરેસ્ટની ટીમ બોલાવવામાં આવી:  બે દિવસ પહેલા મોરકંડા પાસે આંટાફેરા કરતો દીપડો હોવાનું અનુમાન

બે દીવસ પહેલા મોરકંડા વિસ્તારમાં હાઇવેની નજીક દેખાયેલો દીપડો ગઇ રાત્રે ઠેબા ચોકડી પાસે આવેલ રાધીકા સ્કુલની સામેના રહેણાંક વિસ્તારમાં દેખાયો હોવાથી હવે દીપડો શહેર સુધી ઘુસી આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે અને લોકોમાં પણ ચિંતાની લાગણી છે, ફોરેસ્ટની ટીમ વ્યાપક શોધખોળ કરી રહી છે પરંતુ હજુ દીપડો હાથ લાગ્યો નથી અને કોઇપણ મારણ પણ હજુ કર્યુ નહીં હોવાનું ફોરેસ્ટના સુત્રો જણાવી રહ્યા છે, એક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કદાચ હવે દીપડો દરીયાકાંઠા તરફ પણ નિકળી ગયો હોઇ શકે. શહેર નજીક ઘુસી આવ્યો હોવાની વાત જંગલ ખાતાએ નકારી કાઢી છે.
આજ સવારથી એવા અહેવાલો ફરતા થયા હતાં કે, હાપા માર્કેટ યાર્ડની દિવાલ પર દીપડો દેખાયો છે, પરંતુ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યાર્ડની દિવાલ ઉપર દીપડો આવ્યો હોવાની વાત ખોટી છે અને તસવીર પણ ખોટી છે, વાસ્તવમાં યાર્ડની પાસેના વાડી વિસ્તારમાં દીપડાના પગના નીશાન જોવા મળ્યા હોવાથી ફોરેસ્ટની ટીમને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
જામનગરના આરએફઓ રાજન જાદવે પણ દીપડો હાપા યાર્ડની દિવાલ પર દેખાયો હોવાની વાતને નકારી કાઢી હતી, જો કે એમણે કહ્યું હતું કે, જયાં પણ દીપડો દેખાયો હોવાની ફરિયાદ મળે છે ત્યાં જંગલ ખાતાની ટીમ પહોંચીને તપાસ કરે છે.
અન્ય સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ઠેબા ચોકડી પાસે આવેલ રાધીકા સ્કુલની સામેની સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાયા હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે જામનગરના આરએફઓ ઉપરાંત અજીતસિંહ ઝાલા, ટ્રેકર સહિતનો સ્ટાફ ચાલીને ઠેબા ચોકડીથી રેલ્વે સ્ટેશન સુધી વિસ્તારમાં ગયો હતો પરંતુ દીપડો કયાંય દેખાયો ન હતો.
સુત્રોએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા મોરકંડા પાસે હાઇવે નજીકના વિસ્તારમાં દીપડો દેખાયો હતો, એ જ દીપડો આ વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો હોવાની સંભાવના નકારી શકાતી નથી, જો કે અત્યાર સુધી દીપડાએ કયાંય પણ મારણ કરેલ નથી.
ટુંકમાં વાત એવી છે કે, લોકો જુદા-જુદા સ્થળેથી દિપડો દેખાયાની ફરિયાદ કરી રહ્યા છે, જંગલ ખાતાની ટીમને દીપડો જોવા મળ્યો નથી, કેટલાક સ્થળે ફુટ પ્રિન્ટ જરુર મળ્યા છે અને જે તસવીરો સોશ્યલ મીડીયા પર વાયરલ કરવામાં આવી રહી છે તેમાં પણ તથ્ય નહીં હોવાનું ફોરેસ્ટના જવાબદારો કહી રહ્યા છે.
***
પીંજરામાં બકરુ રાખીએ તો કુતરા ખાઇ જાય છે
જામનગર નજીકના મોરકંડા, ઠેબા સહિતના માનવ વસ્તી વિહોણા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ફરિયાદો અમને વ્યાપક પ્રમાણમાં મળી રહી છે પરંતુ જંગલ ખાતાની ટીમને કયાંય દીપડો જોવા મળ્યો નથી તેમ આરએફઓ રાજન જાદવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને સાથે-સાથે એમ પણ કહ્યું હતું કે, દીપડાને પાંજરે પુરવા માટે બકરુ રાખીને જયાં પાંજરુ મુકીએ છીએ ત્યાં કુતરાઓ બકરાને ફાડી ખાય છે....આમ અજીબ સમસ્યા જંગલ ખાતાની સામે આવી છે. કારણ કે, દીપડો મારણ કરવા પાંજરામાં આવે એ પહેલા જ કુતરાઓ બકરાને સફાચટ કરી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News