સાવરકુંડલામાં આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ તરીકે જાણીતી વિશાળ જગ્યા બિનઉપયોગી

  • February 21, 2024 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર આવેલી આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ તરીકે જાણીતી આ ૨૫ વીઘા જેટલી વિશાળ જગ્યા કે જે વચ્છરાજભાઈ જીવાભાઈ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટને ખાસ આરોગ્ય હેતુ માટે ફાળવવામાં આવેલ. ખરેખર તો જ્યારે કોઈ ખાસ હેતુ માટે સરકાર તરફથી રાહત દરે જમીન ફાળવવામાં આવી હોય ત્યારે તે હેતુ બે વર્ષ જેટલા સમયમાં જ સિદ્ધ થવો જોઈએ અને તમામ જમીનનો તે હેતુ માટે પૂરેપૂરો ઉપયોગ થવો જરૂરી છે. જો આ મહત્વપૂર્ણ શરતનો ભંગ થાય તો જે તે જમીન સરકાર પરત પોતાના હસ્તક ખેંચી લે છે. જ્યારે આ વિ.જે.પારેખ આંખની હોસ્પિટલ ટ્રસ્ટને ૨૫ વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે, તેનો ક્યારેય આટલા વર્ષોમાં પૂરેપૂરો ઉપયોગ થયો જ નથી અને જેટલો ઉપયોગ થતો હતો તે પણ છેલ્લ ા કેટલાય વર્ષોથી બંધ થઈ ગયેલ છે. એક સમયે સાવરકુંડલા શહેરના હાર્દ સમી આ આંખની હોસ્પિટલ મેનેજમેન્ટના અભાવે ઠપ્પ થઈ ગયેલ છે. એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આંખની સારવાર માટે જરૂરિયાત મંદો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હતા જેનું કારણ હતું જે તે સમયે આ હોસ્પિટલને સંપૂર્ણ સમર્પિત મૂળજીકાકા નું સચોટ મેનેજમેન્ટ. આ ઉપરાંત સાવરકુંડલાના ખાદીધારી સિંહ ગણાતા લલુભાઈ શેઠની પણ હાજરી હતી.જેને કારણે આ હોસ્પિટલ જેવી અનેક જાહેર સેવા ક્ષેત્રની સંસ્થાઓ સાવરકુંડલામાં ધમધમતી હતી પરંતુ અફસોસ આ બધા સેવાધારી મહાનુભાવો એક પછી એક આ ફાની દુનિયા છોડી ચાલ્યા જવાથી જેમના હસ્તક આ બધી સંસ્થાઓનો વહીવટ આવ્યો તે તમામના ગેર વહીવટને કારણે કંઈ કેટલીય સંસ્થાઓ ભૂતકાળ બની ગઈ અને ભેકાર ખંડેરમાં ફેરવાઈ ગઈ. હવે જ્યારે શહેરમાં રહેણાંક વિસ્તારમાં હાથસણી રોડ ઉપર જે જગ્યાએ આ ૨૫ વીઘા જેટલી વિશાળ જમીન આવેલ છે તેની ફરતે કેટલાય કિલોમીટર એરિયામાં સોસાયટીઓ વસી ગઈ છે ત્યારે હેતુ ભંગ બદલ કલેકટર દ્વારા આ તમામ જમીન સરકાર સરકાર હસ્તક લઈ લેવી જોઈએ અને આ તમામ જમીનમાં જો ગરીબ, સામાન્ય, સાધારણ, ગરીબ, મજુર વર્ગના આર્થિક પછાત લોકો માટે રહેણાક પ્લોટો બનાવી ફાળવવામાં આવે તો સેકડોની સંખ્યામાં ઘર વિહોણા લોકોને ઘરની છત મળી રહેશે અને એક જબરદસ્ત સેવાનું કાર્ય થશે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અને અમરેલી સાંસદ પણ અંગત રસ લઈ લોક ઉપયોગી હેતુ માટે આ તમામ જમીનનો સદુપયોગ થાય તેવા પ્રયત્નો તાત્કાલિક હાથ ધરે તે ઇચ્છનીય છે.


ગ્રાઉન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું

હાલમાં આટલી વિશાળ જમીન દેખરેખના અભાવે રાત્રે અસામાજિક તત્વોને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવા માટેનું ખુલ્લ ું મોકળું મેદાન બની ગયું છે. બે રોકટોક દારૂ, જુગાર અનૈતિક પ્રવૃત્તિનું ધામ એટલે આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ એવું કહેવાય છે. ૨૫ વીઘા જમીનની ફરતે આવેલ કંપાઉંડ વોલમાં ઠેક ઠેકાણા છીંડા હોવાથી મુખ્ય ગેટ બંધ હોવા છતા ચારે તરફથી ગમે ત્યાંથી પ્રવેશ કરી શકાય તેવું હોવાથી ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવી હાલત થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application