જામનગર આહીર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • December 16, 2024 11:33 AM 

જામનગર આહીર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો

આહીર સમાજના અગ્રણીઓની હાજરીમા ૨૩ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા, કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓનો કરિયાવર કરાયો, શાસ્ત્રોકત વિધિથી એક જ પરિસરમાં ૨૩ નવ દંપતીઓએ સપ્તપદીના ફેરા ફર્યા, 


જામનગર આહીર સમાજ દ્વારા જામનગર ખાતે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું,  સામાજિક ઉત્થાનના ભાગ રૂપે વ્યસન મુક્તિના સંદેશ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૨૩ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. આહીર સમાજના અગ્રણીઓએ સમાજના ઉત્થાન માટે આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિમાં વધુને વધુ જોડાવવા અપીલ કરી હતી. કન્યાઓને વિવિધ જીવનજરૂરી ૪૫થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરરૂપે આપવામાં આવી હતી. બપોરે ભોજન સમારંભ બાદ તમામ જાનને એક સાથે વિદાય કરવામાં આવી હતી. 

જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આહીર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો, સતત આઠ વર્ષમાં વર્ષે આહીર સમાજ જામનગર દ્વારા કરવામાં આવેલ ભવ્ય આયોજનમાં હાલારના બંને જીલ્લાના ૨૩ નવ દંપતીઓ જોડાયા હતા. ભવ્ય મંડપમાં તમામ જાનને એક જ પરિસરમાં સમાવી લેવામાં આવી હતી. સવારે આઠ વાગ્યે તમામ જાન આવી પહોચી હતી અને શાસ્ત્રોક્ત વિધિથી જાનના ઓવારણા લઇ મંડપમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હસ્ત મેળાપથી માંડી સપ્તપદીના ફેરા સુધી તમામ વિધિઓ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી. આહીર સમાજના અગ્રણી ભાઈઓ-બહેનોએ એક એક જાન  મંડપમાં જઈ નવ દંપતીઓને ગીતાજી અર્પણ કર્યા હતા.  મંડપની મધ્યે બનાવવામાં આવેલ વિશાળ સ્ટેજ પરથી આહીર સમાજના હાજર અગ્રણીઓએ સમાજ ઉત્થાન માટે સમૂહ લગ્નમાં જોડાયેલ નવ દંપતીઓના વાલીઓને વધાવી લીધા હતા. સાથે સાથે સમાજના વિકાસ માટે આગામી કરવામાં આવનારી પ્રવૃતિઓ અંગે પણ ચિતાર આપવામાં આવ્યો હતો.

તમામ કન્યાઓને આ વખતે ૪૫થી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓનો કરીયાવર કરવામાં આવ્યો હતો. વ્યસન મુક્ત સમાજ ઉથ્થાનની દિશામાં સમાજની નેમ સાથે યોજાયેલ કાર્યક્રમના સમગ્ર આયોજન માટેના આર્થિક ખર્ચને પહોચી વળવા આહીર સમાજના દાનવીરોએ ઉદાર હાથ ફાળો આપી પ્રસંગને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. 

મંડપ પરિસર બહાર વિશાળ ગ્રાઉન્ડમાં વાહન પાર્કિંગ, પાણી અને મોબાઈલ વોસરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ મંડપમાં જ ચા-પાણીની વ્યવસ્થા યુવાનોએ સંભાળી હતી. સપ્તપદીના ફેરા બાદ સત્યમ કોલોની આહીર સમાજ ખાતે સુવ્યવસ્થિત ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આહીર સમાજની યુવા પાંખ દ્વારા અહી ભાઈઓ અને બહેનો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી સુદર આયોજન કર્યું હતું. ભોજન સમારંભ બાદ બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન તમામ જાનને વિદાય કરવામાં આવી હતી. સફળતા પૂર્વક પૂર્ણ થયેલ સમૂહ લગ્નોત્સવ બાદ આહીર સમાજના અગ્રણીયોએ આવતા વર્ષે પણ આ ઉમદા કાર્યને બેવડા જોશ આગળ ધપાવવા વાયદો કર્યો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application