BREAKING NEWS

રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદના છડેચોક દર્શન, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની પ્રેસ કોન્ફરન્સ છતાં મહેશ રાજપુતે કાર્યાલયમાં પગ ન મુક્યો, બહાર કારમાં બેઠા રહ્યા

  • April 23, 2026 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન જ પક્ષમાં 'હાઈ વૉલ્ટેજ ડ્રામા' સર્જાયો હતો. પ્રદેશ પ્રભારીની હાજરી હોવા છતાં પક્ષના પાયાના નેતાઓની ગેરહાજરી અને વર્તનને કારણે જૂથવાદના દર્શન છડેચોક થયા હતા.


ઘટનાની વિગત મુજબ, કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપુત કાર્યાલયમાં હાજર રહેવાને બદલે બહાર પોતાની કારમાં જ બેસી રહ્યા હતા. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અંદર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા, ત્યારે મહેશ રાજપુત કાર્યાલયના દરવાજે હોવા છતાં અંદર ન પ્રવેશતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. અગાઉ પણ શહેર કોંગ્રેસ કાર્યાલયના સંચાલન અને અન્ય મુદ્દે આંતરિક વિવાદો સામે આવી ચૂક્યા છે, પરંતુ આજે પ્રભારીની હાજરીમાં આ પ્રકારનું વલણ પક્ષની શિસ્ત પર સવાલ ઉભા કરી રહ્યું છે.


આ આંતરિક અસંતોષને કારણે કોંગ્રેસ ફરી એકવાર મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ હતી. પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ, સ્થિતિ વધુ વણસે તે પહેલા શહેર પ્રમુખ પ્રભારી મુકુલ વાસનિકને પોતાની કારમાં બેસાડીને અન્ય સ્થળે જવા રવાના થયા હતા. ગુજરાતમાં આગામી સમયમાં જ્યારે રાજકીય મોરચે મજબૂતીની જરૂર છે, ત્યારે રાજકોટ કોંગ્રેસનો આ ખુલ્લો જૂથવાદ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યો છે. મહેશ રાજપુતની આ નારાજગી પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પક્ષમાં 'બધું બરાબર' નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application