શાપરમાં કારખાનેદાર સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીએ ઝેરી દવા પીધી
શાપરમાં કારખાનેદાર સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીએ ઝેરી દવા પીધી
April 18, 2026 10:18 PM
રાજકોટ શાપરમાં કારખાનેદાર યુવકે કામ કરતી યુવતી ઉપર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.બનાવમાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કારખાનેદાર યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કારખાનેદાર સામે ગુનો નોઁધ્યાનાએકાદ મહિના બાદ ગઈકાલે યુવતીએ પણ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારની વતની અને હાલ શાપરમાં રહી કારખાનામાં મજૂરી કામ કરતી ૧૯ વર્ષીય યુવતીએ સવારે ૧૧ વાગ્યે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. યુવતીના કહેવા મુજબ પોતે ત્રણેક વર્ષથી અન્ય યુવતીઓ સાથે રહી મજૂરી કામ કરે છે. મારો સંપર્ક કલ્પેશ પટેલ સાથે થયો હતો અને ત્યાં કારખાનામાં નોકરીએ રાખી ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જે બાદ લગ્ન કરવાની વાત કરી અવાર નવાર મારી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની વાત કરતા પોતે પરણિત હોવાનું ખબર પડતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી મેં પોલીસમાં અરજી કરી હતી. ત્યારે ગઈકાલે કોઈ કારણોસર દવા પી લીધી હતી. બનાવ અંગે આગળની તપાસ શાપર પોલીસે હાથ ધરી છે.