દ્વારકા સાયબર ક્રાઇમની કાર્યવાહી : ગુગલ સર્ચથી મેડીકલ તેમજ હોટલ, દુકાનદારોના નંબરો મેળવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દેતો
આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો - ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ - કોમ્પ્યુટર ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે. જેનો ઉપયોગ અનિવાર્ય છે. જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં કોઇ ઠગ મેડીકલ ધારકો તેમજ દુકાનદારોને એસઓજી પોલીસના નામે ફોન કરી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતો હોવાનુ ધયાને આવતા, જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ખુબજ ગંભીરતાથી સાયબર ક્રાઇમ પોલીસને સંવેદનશીલ રહી આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દીક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ.
નિર્મલકુમાર શંકરસન બેહેરા રહે. આદીત્ય રોડ, તીનબતી ચોક, કૃષ્ણભક્તિ એપાર્ટમેન્ટ, ૩ જો માળ, દ્વારકા તા. દ્વારકા, જી. દેવભુમિ દ્વારકા નાઓએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, તેઓને તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ મોબાઇલ ઉપર ફોન આવેલ અને ખંભાળીયા પોલીસની ઓળખાણ આપી ગેરકાયદેસર દવા (કફ સીરપ)નુ વેચાણ કરેલ છે તેવુ જણાવી રૂપીયા એક લાખની માંગણી કરી કુલ ૬૦૦૦/- ઓનલાઇન પડાવી તેમની સાથે છેતરપીંડી કરેલ છે. જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.કોઠીયા દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમ સાથે તુરંત જ રવાના થઇ ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી મુંબઇથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ.
ધરપકડ કરેલ આરોપી શબીરહુસેન હારૂન ભગાડ ઉ.વ.૩૯ ધંધો-માંછીમારી રહે. ખ્વાજા નગર, સાલુ પટેલના ઘરની બાજુમા, સલાયા, તા.ખંભાળિયા જિ. દેવભુમી દ્વારકા સદર આરોપીને પકડી પાડી પુછપરછ કરતા શબીરહુસેન હારૂન ભગાડ અગાઉ ૨૦૧૭ માં સલાયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં પકડાયેલ હતો. ત્યારબાદ જામીનમુક્ત થયેલ હતો.
ગુનાની એમ.ઓ. મુજબ શબીરહુસેન હારૂન ભગાડ ધોરણ - ૩ સુધી અભ્યાસ કરેલ છે. છેલ્લા એક માસથી સદર આરોપી ગુગલ સર્ચમાંથી મેડીકલ ધારકો તેમજ દુકાનદારોના સંપર્ક નંબરો મેળવી લેતો હતો. ત્યારબાદ જે તે મેડીકલ ધારકો તેમજ દુકાનદારોને પોતાના મોબાઇલ ફોનથી સંપર્ક કરતો અને પોતાની ઓળખ એસઓજી પોલીસ તરીકેની આપતો હતો. ત્યારબાદ મેડીકલ ધારકે પોતાની મેડીકલમાથી ગેરકાયદેસર દવા (કફ સીરપ)આપેલ છે તેમજ દુકાનદારોને ઇન્કમ ટેક્ષ ભરેલ નથી તેમજ જી.એસ.ટી. બિલો નથી તેવુ જણાવી તે મેડીકલ ધારક તેમજ દુકાનદાર સામે ફરીયાદ કરવાનું જણાવતો હતો અને જો ફરીયાદથી બચવુ હોય અને સમાધાન કરવુ હોય તો ચોક્કસ રકમની માંગણી કરી પોતે જે વિસ્તારમા હોય તે વિસ્તારના દુકાનવાળા અથવા મની ટ્રાંન્સફર વાળાના ક્યુઆર કોડ મેળવી લઇ તેમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. આ રીતે આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરતો હતો. આ રીતે તેણે અલગ-લગ ૧૦૦ જેટલા મેડીકલ ધારકો તેમજ દુકાનદારોને ફોન કરી અને પૈસા માંગ્યાની કબુલાત કરેલ છે.
આરોપી પાસેથી ૧૦૨૦૦ની રોકડ અને ૩ સીમકાર્ડ કબ્જે કર્યા છે, ગુનાહીત ઇતિહાસમાં મીઠાપુર, કલ્યાણપુર, ખંભાળીયા, જામનગર, સલાયા, સાયબર ક્રાઇમમાં ગુના નોંધાયેલા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની જનતા જોગ અપીલ છે કે, આપ કોઇ મેડીકલ અથવા દુકાન/હોટેલ ધરાવતા હોવ અને આપના મોબાઇલ ઉપર કોઇ અજાણ્યા ઇસમનો ફોન કોલ આવે અને પોતાની ઓળા પોલીસ કે અન્ય પોલીસ કર્મચારીની આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સમાધાન પેટે કોઇ રકમ ઓનલાઇન ટ્રાંન્સફર કરવાનું જણાવે તો આવા ઇસમ ઉપર ભરોસો કરવો નહી અને કોઇપણ જાતનો નાણાકીય વ્યવહાર નહી કરવા અપીલ છે. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. જરૂર જણાય દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.