જિલ્લા પોલીસ વડા દ્વારા દ્વારકા ખાતે ડ્રોન અવેરનેસ કાર્યક્રમ યોજાયો

  • July 31, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભવિષ્યમાં સંભવિત ડ્રોનના ખતરા સામે સ્ટેટ હોલ્ડર્સને ડ્રોન વોલેન્ટીયર્સ બનાવાશે: જિલ્લા પોલીસ વડા

દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોનના વધતા જતા વપરાશ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં તાજેતરમાં દ્વારકા ખાતે ડ્રોન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના પશ્ચિમ છેવાડાના કિનારે વસેલું ભગવાન શ્રીકૃષ્ણનું જગતમંદિર અને જિલ્લાના વાઈટલ ઇન્સ્ટોલેશન્સને દુશ્મન દેશનો ખતરો ટાળવા અને દરીયાઈ સલામતીનું માળખું વધુ સુદ્રઢ બને તે હેતુથી દ્વારકાની એક હોટલ ખાતે યોજાયેલા અવેરનેસ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને એ.એસ.પી. રાઘવ જૈન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દ્વારકા પોલીસ સ્ટેશન આયોજિત આ ડ્રોન અવેરનેસ કાર્યક્રમમાં દ્વારકા હોટલ એસોસીએશન, વેપારી સંસ્થાઓ અને દ્વારકાધીશ સંલગ્ન સેવાપૂજા કરતા પંડાઓ અને પૂજારીવર્ગ સાથે મીડીયાકર્મીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના પ્રારંભે દ્વારકા પોલીસે ડ્રોન અંગેની વિવિધ તસ્વીરો તથા તેનો ઉપયોગ અને તેની સલામતી માટે લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ૧૯૬૫ માં દ્વારકા દુશ્મન દેશના હુમલામાં હેમખેમ બચી ગયું હતું. પરંતુ હાલ ટેકનોલોજીના સમયમાં દુશ્મન દેશની સીમાથી નજીક આવેલો અને ૩૫ કિમીનો દરીયાઈ પટ્ટો ધરાવનાર અને જૂની સ્મગલીંગની હીસ્ટ્રી ધરાવતા આ સંવેદશનીલ જિલ્લામાં ભવિષ્યમાં જગતમંદિર તથા વાઈટલ ઈન્સ્ટોલેશન્સને સૌથી વધુ ખતરો ડ્રોનથી રહે તેવી સંભાવના જોતાં સ્ટેટ હોલ્ડર્સ, ડ્રોનને ડીટેકટ કરવા જાગૃકતા ફેલાવવામાં આવશે.
આ ઉપરાંત દરીયાઈ સુરક્ષામાં ડ્રોનના ઉપયોગ વધારવા છેલ્લા મહિનાઓમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારે ફાળવેલ બોટમાં ડ્રોન ઍક્ષ્પર્ટની મદદથી માનવરહિત ટાપુઓની પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહયુ છે. જેનાથી સરકારને પૈસાની બચતની સાથે સાથે ડ્રોનની મદદથી ઊંચાઈ પરથી ૩૬૦ ડીગ્રીમાં ચોતરફ આસાનીથી મોનીટરીંગ કરી, ઇફેક્ટીવલી પેટ્રોલીંગ કરી શકાય છે. આ ઉપરાંત દરીયાઈ સુરક્ષા માટે વહાણોના લેન્ડીંગ પોઈન્ટ પણ ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી રહી હોય જેના કારણે જ તાજેતરમાં મરીન પોલીસ સ્ટેશનની મદદથી હાલ ચોમાસાની ઋતુમાં પ્રતિબંધ છતાં દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો અંગે ડ્રોનની મદદથી માહિતી મેળવ્યા બાદ કેસ કર્યા હતા.
આગામી દિવસોમાં ડ્રોનની મદદથી દરીયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા કાર્યક્રમ યોજાશે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
**
સોશ્યલ મીડીયાનો ઉપયોગ પણ જ‚રી: એસ.પી.
દ્વારકાધીશ જગત મંદિર આસપાસ ડ્રોન ઉડાવવા પ્રતિબંધિત હોય, જે અંગે લોકોને પૂરતી જાણકારી રહે તેમજ સ્થાનીય સ્ટેટ હોલ્ડર્સ પણ પોલીસની સાથે સાથે મંદિર સુરક્ષા માટે કેવી રીતે ભાગીદાર તથા ડ્રોન વોલેન્ટીયર્સ કેવી રીતે બની શકે અને તાત્કાલીક કેવી રીતે જાણ કરી શકે તે માટેનું માર્ગદર્શન આ અવેરનેસ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ મદદનીશ જિલ્લા પોલીસ વડા અને દ્વારકાના વિભાગીય પોલીસ વડા દ્વારા ઉપસ્થિતોને આપવામાં આવ્યું હતું.આ સાથે જિલ્લા પોલીસ વડાએ હોટલ એસોસીએશનના સભ્યોને તેમની હોટલના સંકુલમાં ડ્રોન કેમેરો દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત હોવાનું સૂચિત કરવા તેમજ ધ્વજારોહણ માટેની ગુગળી જ્ઞાતિ કાર્યાલયમાં પણ દરેક ધ્વજાજીના મનોરથીઓને આ અંગે સૂચિત કરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં ચાલુ વર્ષમાં જ ડ્રોન કેમેરો ઉડાવવા અંગે ત્રણ ગુન્હાઓ નોંધાયા હોય, આ અંગે વેપારીઓની જાગૃકતાને એસપી નિતેશ પાંડેયએ વખાણતા જણાવેલ કે આગામી સમયમાં મંદિર આસપાસ તથા મહત્વના સ્થળોના વેપારીઓ તથા પોલીસ વચ્ચે ડ્રોન અંગે સતર્કતા કેળવવા સોશ્યલ મીડીયા ગૃપ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્થાનીય આગેવાનોએ દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરા ઉપર પ્રતિબંધ છે, તે પ્રકારના દિશા સૂચક બેનરો લગાવવાનું પણ સૂચન કર્યુ હતું. જેનું જિલ્લા પોલીસ વડાએ હકારાત્મક અભિગમ દાખવી સ્થાનીય પોલીસને ઘટતું કરવા સૂચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application