કુતરું આડું ઉતરતાં કાર પલટી જવાથી પડાણા ના બે સગા ભાઇઓના અંતરિયાળ મૃત્યુથી ભારે અરેરાટી

  • July 20, 2021 11:37 AM 

કારમાં બેઠેલા અન્ય ચાર પિતરાઈ ભાઈ-બહેનોને પણ નાની-મોટી ઇજા: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આજે બપોરે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને ખંભાળિયા ધોરીમાર્ગ રક્તરંજિત બન્યો છે. મેઘપર ગામના પાટિયા પાસે એક કારની આડે કૂતરું આડું ઉતરવાથી પલટી ખાઈ ગઈ હતી.અને કારમાં બેઠેલા પડાણા ગામ ના બે સગા ભાઇઓના અંતરિયાળ મૃત્યુ નિપજતા ભારે કરુણાંતિકા છવાઇ છે. આ ઉપરાંત કારમાં બેઠેલા અન્ય ચાર પિતરાઈ ભાઈ બહેનોને પણ નાની-મોટી ઇજા થઇ છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૨૪) અને તેના નાનાભાઈ પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૨૨) કે જે બન્ને ભાઈઓ પોતાના અન્ય ચાર પિતરાઇ ભાઇ-બહેનો પરાક્રમસિંહ પદયુમન સિંહ ઝાલા, યશપાલસિંહ રઘુવિર સિહ ઝાલા, દિવ્યરાજસિંહ રઘુવિર સિહ ઝાલા, તથા નાની બહેન વગેરે સાથે એક કારમાં બેસીને જામનગર આવ્યા હતા, અને જામનગરથી પરત પોતાના ઘેર જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન મેઘપર ગામના પાટિયા પાસે આશરે બે વાગ્યાના અરસામાં કાર પહોંચતા માર્ગમાં એક કૂતરું આડું ઉતરવાથી તેને બચાવવા જતાં કાર પલટી મારી ગઇ હતી, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બે સગા ભાઇઓ રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ ને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી તાત્કાલિક અસરથી બેશુદ્ધ અવસ્થામાં ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓના મૃતદેહો જ પહોંચ્યા હતા, અને ફરજ પરના તબીબે બંનેના મૃત્યુ નિપજ્યા હોવાનું જાહેર કર્યુ હતું. જેથી મૃતકના પરિવારના ભારે ગમગીની છવાઈ છે.

આ ઉપરાંત તેના અન્ય પિતરાઇ ભાઇ-બહેનો વગેરે ચારેયને નાની-મોટી ઇજા થઇ હતી, અને તમામને પ્રાથમિક સારવાર અપાઇ રહી છે. અકસ્માતના બનાવની જાણ થવાથી મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. 

પોલીસે બંને મૃતદેહોને કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક ના પરિવારજનો જી.જી.હોસ્પિટલ ના દ્વારે દોડી આવ્યા હતા, ત્યારે ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS