પાંચ લાખની સોપારી લઇ પિંગળી ગામમાં દંપત્તિની થઇ હતી હત્યાં

  • January 23, 2024 07:44 PM 

ભાવનગર જીલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં છ માસના સમય બાદ પોલીસને સફળ્યા સફળતા મળી હતી. પિંગલી ગામે રહેતા પતિ-પત્નીની ૭ શખ્સોએ નિર્મમ હત્યાં કરી હોવાનું અને કોઈ બાબતે મનદુઃખ રાખી અને મુખ્ય આરોપી શખ્સ દ્વારા રૂપિયા પાંચ લાખની સોપારી આપી હત્યાં કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. જ્યારે હત્યાંનો ભેદ ઉકેલવા પોલીસે ત્રણ આર પદ્ધતિથી તપાસ કરી અને પોલીસને સફળતા મળી હતી. બેવડી હત્યાનો ભેદ ઉકેલી રૂ.૬૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે છ ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે એક હજુ પોલીસ પકડથી બહાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. 

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિંગલી ગામે દંપત્તિના ઘરમાં ઘુસી અને અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યાં નીપજવી હતી. અને હત્યારાઓ ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. જે અંગે ગત તા.૧૧/૦૭/૨૦૨૩ના સંજયભાઇ શિવાભાઇ રાઠોડ (ઉ.વ.૩૩ રહે.પીંગળી તા.તળાજા)ને

તેના કાકા રાયસંગભાઇનો ફોન આવેલ કે “વાડીએ ભેંસો બાંધ્યું એમ ને એમ છે, તમારા પિતા શીવાભાઇનો ફોન લાગતો નથી અને બંધ આવે છે”. તેમ જણાવતા પોતાના કાકાના દીકરા યોગરાજને ફોન કરીને ઘરે જઇને તપાસ કરવા માટે જણાવતા તેણે ઘરે જઇ જોતા જણાવેલ કે “કાકા અને કાકી બંને ખાટલામાં સુતા છે અને તમે જલદી આવો” તેમ કહેતા પોતે તાત્કાલીક પોતાના ઘરે આવતા ફરિયાદીના માતા-પિતાની લાશો ઘરની ઓશરીમાં અલગ-અલગ ખાટલામાં પડી હતી. તેઓ બંન્નેને શરીરે તીક્ષ્ણ હથીયારની ઇજાઓ હતી. લોહી ભોંયતળીંયામાં સુકાય ગયેલ હતું. ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળૂં કોઇએ ચાવી વડે ખોલી કબાટનો સામાન વેરવીખેર હાલતમાં પડેલ હતો. જેથી કોઇએ ઘરમાંથી ચોરી-લુંટ કર્યાના ઇરાદે તિક્ષ્ણ હથીયાર વડે પોતાના માતા-પિતાની હત્યા કરીને અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તેમજ પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલએ પોતે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોડ, સ્થાનીક પો.સ્ટેંનાં સ્ટાફએ ડબલ મર્ડરનો અન ડીટેકટ ગુનો શોધી કાઢવા તેમજ રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્રારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગશન ટીમ (એસઆઇટી)ની પણ રચના કરવામાં આવી હતી. 

આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા છ મહીનાથી ભાવનગર જીલ્લા પોલીસ ટીમ અથાગ રાત-દિવસ પ્રયત્નો કરી રહી હતી. જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ત્રણ આર પદ્ધતિની નવેસર થી તમામ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. અને પિંગળી ગામથી આજુ-બાજુના ૫૦ કિમી વિસ્તારના કુલ-૧૯ ગામના કુલ-૩૮ સી.સી.ટી.વી કેમેરાઓ તપાસવામાં આવ્યા હતા. આવા ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ શખ્સો સહીત અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તથા તેની આજુ-બાજુના ગામના રહીશોની પુછપરછ કરવામાં આવી હતી. આ બનાવમાં નાનામાં નાની કડી મળે તો પણ ઉંડાણપુર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હતું. ત્યારે ગત તા.૨૨/૦૧/૨૦૨૪નાં રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી સ્ટાફનાં માણસો ઉપરોક્ત વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાના શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તળાજા તાલુકાના ભદ્દાવળ નં.૩, ભદ્દાવળ-પીંગળી રોડ, મોટી માંડવાળી ચોકડી પાસે રોડ ઉપર આવતા નીચે જોરૂ અને ભુપત નામના બે શખ્સો શંકાસ્પદ મો.સા અને રોકડા રૂ.૩૩,૦૦૦/- સાથે હાજર મળી આવ્યા હતા. જે રોકડ રકમ તથા મોટર સાયકલ અંગે તેઓ બંને પાસે આધાર-પુરાવાઓ નહિ હોવાથી શક પડતી મિલ્કત તરીકે મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંનેને અટક કરવામાં આવી હતી. તેઓની અલગ-અલગ પુછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને તેઓ બંનેએ કબુલાત કરેલ કે,’’ આજથી આશરે છ-એક મહિના પહેલા રણજીતભાઇ યાદવ (રહે.પીંગળી તા.તળાજા)ના કહેવાથી અને તેની પાસેથી રૂ.૫,૦૦,૦૦૦ ની સોપારી લઇને તેણે પીંગળી ગામે બતાવેલ ઘરમાં જઇને જોરૂ અને પ્રતાપ તથા રતન નામના શખ્સએ મૃતકના મકાને જઇ મોડી રાતના વંડી ટપીને મકાનમાં પ્રવેશી દાદા અને દાદીને તેઓની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યાં નીપજવી હતી. તેઓએ દાદીએ શરીરે પહેરેલ સોનાના દાગીના તથા દાદા પાસે રહેલ મોબાઇલ ફોન લઇને રણજીતભાઇ યાદવને આપી દીધા હોવાનું તથા રણજીતભાઇ યાદવેઆ મર્ડર કરવા માટે રૂ.૫,૦૦,૦૦૦ ની.સોપારી આપી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેમાં ૧ આરોપીને ભાગે આવેલ રૂ.૯૦,૦૦૦ માંથી રૂ.૩૩,૦૦૦ પોલીસે કબજે કરાયા હતા. જેમાં બંને આરોપીઓએ ડબલ મર્ડર કરેલ હોવા અંગે કરેલ કબુલાતમાં જણાવતા બાકીના આરોપીઓને પકડવા માટે પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં કુલ સાત શખ્સોના નામ ખુલવા પામ્યા હતા. જેમાં જોરૂભાઇ કમાભાઇ પરમાર (ઉ.વ.૪૪ ધંધો-ખેત મજુરી રહે. મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર, હાલ- સરાભાઇ ભુરાભાઇ કુવાડીયાની વાડીએ,સખવદર તા.શિહોર), ભુપતભાઇ બચુભાઇ વાઘેલા (ઉ.વ.૫૫ ધંધો-છુટક ખેત મજુરી રહે.પિપરલા, તા.ઘોઘા), દિપાભાઇ ઉર્ફે દિપકો કમાભાઇ પરમાર (ઉ.વ.૩૫ ધંધો-ખેત મજુરી/માલ ઢોરનો વેપાર રહે.મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર જી.ભાવનગર હાલ-ભાદર ડેમના કિનારે, વાડાછડા, તા.ગોંડલ જી. રાજકોટ), મેરૂ ઉર્ફે મેરીયો કમાભાઇ પરમાર (ઉ.વ.૨૫ ધંધો-ખેત મજુરી/માલ ઢોરનો વેપાર રહે. મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર), પ્રતાપભાઇ ઉર્ફે બોડો સામંતભાઇ ધોળકીયા (ઉ.વ.૨૫ ધંધો-છુટક મજુરી કામ રહે. દે.પુ.વાસ, નાવલી નદીના કાંઠે, હાથસણી રોડ, સાવરકુંડલા, જી.અમરેલી) અને રણજીતભાઇ કનુભાઇ યાદવ (ઉ.વ.૪૪ રહે.પિંગળી, તા.તળાજા)ને પોલીસે અલગ-અલગ સ્થળો પરથી ઝડપી.લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ કુલ રૂપિયા ૩૩,૦૦૦ અને બાઈક નંબર જીજે ૦૪ સીઈ ૮૧૪૩ જેની કિંમત રૂપિયા ૩૩ હાજર મળી કુલ રૂપિયા ૬૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે આ હત્યાંના બનાવમાં રતન ઉર્ફે રત્નો ભુપતભાઇ બચુભાઇ વાઘેલા (રહે.પિપરલા, તા.ઘોઘા)નું પણ નામ ખુલવા પામ્યું હતું. જે ફરાર હોય તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આમ છ માસ જેવા સમય બાદ ભાવનગર પોલીસને ચકચારી પિંગલી હત્યાં કેસમાં સફળતા મળી હતી. અને સોપારી માટે કરાયેલી હત્યાંનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસમાં એસઆઇટી ટીમ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સ્કોડ,એસઓજી પોલીસ ટીમ અને તળાજા પોલીસ તપાસમાં જોડાઈ હતી. અને તમામ આરોપીઓને હવે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

              સોપારી આપનાર અને લેનાર સામે નોંધાયા છે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. તળાજાના પિંગલી હત્યાં કેસમાં ઝડપાયેલા આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ ખુલવા પામ્યું હતું. જેમાં દિપાભાઇ કમાભાઇ પરમાર વિરુધ્ધ શિહોર પોલીસ મથકમાં બે ગુના તથા ભુપત બચુભાઇ વાઘેલા વિરુધ્ધ ઘોઘા પોલીસમાં મારામારી અને હત્યાંનો ગુનો નોંધાયેલો છે. તેમજ રણજીતભાઇ કનુભાઇ યાદવ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ મારામારીની ગુનો અને સુરત શહેર અને રેલવે પોલીસમાં પ્રોહીબીશન કલમ હેઠળ ગુના નોંધાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

            મોટા શહેરોમાં સોપારી કિલિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બનવા લાગી હોય તેમ પિંગલી ગામે દંપત્તિની હત્યાં કેસમાં સંડોવાયેલા આરોપીઓએ પોતાના આર્થીક ફાયદા માટે ગુનાહિત કાવતરૂ રચી એક સંપ કરી રૂપિયા ૫,૦૦,૦૦૦ ની સોપારી લઇ હથિયારો સાથે સ્થળ બન્ને પતિ-પત્ની પર હથિયારોથી આડેધડ ઇજાઓ કરી ક્રુરતાથી હત્યાં કરી હતી. એટલે કે સોપારી કિલિંગથી હત્યાં કરવાનું જાણે સમાન્ય બન્યું હોય તેમ નાના એવા પિંગલી ગામે હત્યાંના બનાવને સોપારી લઇ અંજામ આપ્યો હતો.

                                                              



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News