ખંભાળિયામાં હોટેલ સંચાલકોને ઓર્ડર કરતા વધુ રકમ આપીને ચીટીંગ કરનારો ઝડપાયો

  • July 10, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક ગુના પરથી પડદો ઊંચકાયો: સલાયાનો ચીટર ત્રણ દિવસના રિમાન્ડ પર: આરોપી અગાઉના દુષ્કર્મ પ્રકરણમાં જામીન ઉપર છૂટ્યો છે

ખંભાળિયા ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારો અને જામનગરમાં હોટેલ તેમજ વિવિધ ધંધાર્થીઓના મોબાઈલ નંબર ગૂગલ સર્ચમાંથી મેળવી અને આવા વેપારીઓને ઓર્ડરની રકમ કરતા વધુ રકમના ચેકની બેન્ક સ્લીપનો ફોટો આપી અને અન્ય એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી વિશિષ્ટ રીતે છેતરપિંડી આચરનારા સલાયાના રીઢા ગુનેગારને જિલ્લાની સાયબર ક્રાઈમ સેલ વિભાગે દબોથી લઇ, રિમાન્ડ પર લીધો છે.
આ સમગ્ર પ્રકરણની પ્રથમ ચરણમાં જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને એક હોટેલના સંચાલક એવા વિપ્ર યુવાનને ગત તારીખ ૬ એપ્રિલના રોજ મોબાઈલ ફોન પર એક શખ્સે ફોન કરીને કહેલ કે ૪૦૦ વ્યક્તિઓનું એક સ્થળે જમણવાર ગોઠવ્યું હોવાથી તેનો ઓર્ડર આપી અને આ રેસ્ટોરન્ટ સંચાલક પાસેથી તેમના બેંકની વિગત મંગાવી અને તેના તેમના એકાઉન્ટમાં રૂપિયા ૨.૭૫ લાખનો ચેક જમા કરાવ્યા અંગેની સ્લીપ વોટ્સએપ મારફતે આપી હતી. આ પછી ઉપરોક્ત રેસ્ટોરન્ટ સંચાલક પાસેથી ઠંડા પીણા અને આઈસ્ક્રીમના પૈસા ચૂકવવા છે તેમ કહીને તથા દિલ્હીથી ફ્લાઇટની ટિકિટના પૈસા પણ ચૂકવવાના છે તેમ જણાવી અને ક્યુ.આર. કોડ મારફતે ૧.૨૭ લાખ એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ પછી બેંકની સ્લીપ મુજબ રૂ. ૨.૭૫ લાખ પોતાના એકાઉન્ટમાં જમા ન થયા હોવાનું જણાતા આ વીપ્ર યુવાન ચીટિંગનો ભોગ બન્યો હોવાની વિધિવત રીતે ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ પ્રકારના ગંભીર ગુના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લા સાયબર સેલને તાકીદે વર્કઆઉટ કરી અને આરોપીને ઝડપી લેવા માટેની સૂચના આપવામાં આવતા સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં આરોપીઓની તપાસ કરી, વિવિધ પુરાવાઓને આધારે જામનગર જિલ્લા જેલમાં રહેલા અને ખંભાળિયા તાલુકાના સલાયા ગામે હુસેની ચોક ખાતે રહેતા શબીરહુસેન હારૂન ભગાડ નામના ૩૬ વર્ષના શખ્સને દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખ છે કે વર્ષ ૨૦૧૭ માં ઉપરોક્ત આરોપી શબીરહુસેન ભગાડ સલાયા મરીન પોલીસ મથકમાં એક દુષ્કર્મના પ્રકરણમાં ઝડપાયા બાદ તે જામીન મુક્ત થયો હતો. માત્ર ત્રણ ચોપડી ભણેલો આરોપી શબીરહુસેન દુષ્કર્મના ગુનામાં જામીન મુક્ત થયા બાદ ઓનલાઇન ચીટિંગના જામનગરના એક કેસમાં સ્થાનિક એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાય લીધા બાદ તે જેલમાં હતો અને અહીં તેના વસવાટ બાદ તેણે ચીટીંગ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ પોલીસે આ આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી અને અહીંની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા અદાલતે મંગળવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી દ્વારા ગુનાની મોડેશ ઓપરેન્ડીમાં ગૂગલ સર્ચમાંથી આ વિસ્તારની દુકાન તથા હોટલધારકના નંબરો મેળવી અને ત્યારબાદ તે દુકાન કે હોટલ સંચાલકને પોતાના ફોનથી સંપર્ક કરતો હતો. ત્યાર બાદ ખરીદી કરવાની અથવા ઓર્ડર આપવાની વાત કરી તેના ભાવ નક્કી કરી વેપારી માંગે તેનાથી વધુ રકમ જમા કરાવી હોવા અંગેની બેંક સ્લીપ તે તેના અમદાવાદ ખાતેની એક બેંકના તેના તળિયા જાટક એકાઉન્ટની સ્લિપ વોટ્સએપ મારફતે આપતો હતો. જેથી તે દુકાન કે હોટલધારકને વિશ્વાસમાં લઈ અને વધારાના પૈસા બીજા લોકોને આપવાના થશે તેમ જણાવી અને આ ટ્રાન્સફર ક્યુ.આર. કોડ મારફતે કરી ચિટિંગ કરતો હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી.
આરોપી શખ્સ દ્વારા જુદા જુદા વિસ્તારોના ૨૫ જેટલા વેપારીઓ સાથે આ રીતના ફ્રોડ કરી અને લાખો રૂપિયાનું ચીટીંગ કર્યુ હોવાનું ખુલવા પામ્યું છે. તેની સામે જામનગર, ખંભાળિયા, મીઠાપુર, કલ્યાણપુર, સલાયા સહિતના જુદા-જુદા પોલીસ મથકમાં ચીટિંગ સહિતના ગુનાઓ નોંધાયા છે. તેની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ગુનાઓનો ભેદ ખુલવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણજારીયા તેમજ કાજલબેન કરમુર દ્વારા કરવામાં આવી હતી.
**
સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં ચોરી
જામનગર તાલુકાના સિક્કા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાંથી કોઈ તત્કારોએ વાયરના ડ્રમમાંથી કેબલ કાપીને ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ છે.
 જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા અને સિક્કા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા દિનેશભાઈ સવજીભાઈ પરમારે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
 પોતે જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેના ખુલ્લા યાર્ડના એરિયામાં પ્રવેશ કરી અંદરથી રુા. ૨૪ હજારની કિંમતનો કેબલ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application